VIDEO: 28 વર્ષ બાદ મમતા બેનર્જી બંગાળ પેટા ચૂંટણીમાં નવા નામ અને સિમ્બોલ સાથે લડશે, બંને જૂથને નવા પ્રતિક મળ્યા
પશ્ચિમ બંગાળના રાજકારણમાં લગભગ 28 વર્ષથી પ્રભુત્વ ધરાવતી તૃણમૂલ કોંગ્રેસના ઐતિહાસિક ભંગાણ બાદ ચૂંટણી પંચે બંને જૂથોને વચગાળાના નવા નામ અને ચૂંટણી પ્રતીકોની ફાળવણી કરી દીધી છે. પક્ષનું મૂળ નામ અને પારંપરિક ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યાના બીજા દિવસે, ચૂંટણી પંચે 6 ઑક્ટોબરે યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભાની પેટાચૂંટણી માટે બંને પક્ષોને નવી રાજકીય ઓળખ આપી છે. ચૂંટણી પંચના નિર્દેશ મુજબ શુક્રવારે સવારે 11 વાગ્યા સુધીમાં બંને જૂથોએ પોતપોતાની પસંદગીના ત્રણ નામ અને ત્રણ ઉપલબ્ધ ચિહ્નોની યાદી રજૂ કરી હતી. તેના આધારે ચૂંટણી પંચે પેટાચૂંટણી પૂરતી કામચલાઉ વ્યવસ્થા મંજૂર કરી છે. વર્ષ 1998માં કોંગ્રેસમાંથી અલગ થઈને મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી ત્યારથી હાથથી દોરેલું જોડા ઘાસ-ફૂલ પક્ષની પાયાની ઓળખ રહ્યું છે. છેલ્લા 28 વર્ષમાં પહેલીવાર મતપત્રકો અને ચૂંટણી પ્રચારમાંથી આ પરંપરાગત પ્રતીક હટાવી દેવામાં આવ્યું છે. આ નિર્ણય સામે મમતા જૂથે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. પક્ષના સાંસદ કલ્યાણ બેનર્જીએ આ આદેશને ગેરકાયદે અને કાયદા વિરુદ્ધનો ગણાવ્યો છે. બીજી તરફ, બળવાખોર જૂથના નેતા, પશ્ચિમ બંગાળ વિધાનસભાના ચીફ વ્હીપ અને ધારાસભ્ય અખરુઝ્ઝમાન અન્સારીએ ચૂંટણી પંચના આદેશનું સ્વાગત કર્યું હતું.

