મિનિમમ બેલેન્સના નામે 4 વર્ષમાં ગ્રાહકો પાસેથી 26710 કરોડ વસૂલ્યા, રાજ્યસભામાં મોદી સરકારે કર્યો ખુલાસો

જો તમારા બેન્ક ખાતામાંથી ક્યારેય તમારી જાણ વગર પૈસા કપાઈ ગયા હોય, તો બની શકે કે તે મિનિમમ એવરેજ બેલેન્સ (MAB) ન જાળવવાનો ચાર્જ હોય. સરકારે સંસદમાં માહિતી આપતા જણાવ્યું છે કે છેલ્લા 4 નાણાકીય વર્ષો (FY23-FY26)માં બેન્કોએ ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ કુલ ₹26,170 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે. આ દંડમાં સૌથી મોટો હિસ્સો ખાનગી બેન્કોનો રહ્યો છે.
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યું કે માત્ર FY26માં જ બેન્કોએ ₹7,086.63 કરોડનો દંડ વસૂલ્યો હતો, જેમાં પ્રાઇવેટ બેન્કોએ ₹4,948.71 કરોડ અને સરકારી બેન્કો (PSBs)એ ₹2,137.92 કરોડ વસૂલ કર્યા છે.
HDFC બેન્ક સૌથી આગળ, એક્સિસ બેન્ક બીજા ક્રમે
ખાનગી બેન્કોની વાત કરીએ તો HDFC બેન્કે FY26માં ₹1,798.14 કરોડનો સૌથી વધુ દંડ વસૂલ્યો છે. ત્યારબાદ એક્સિસ બેન્ક બીજા ક્રમે રહી છે, જેણે ₹1,081.33 કરોડની વસૂલાત કરી છે. આ બંને બેન્કોએ મળીને પ્રાઇવેટ બેન્કો દ્વારા વસૂલવામાં આવેલા કુલ દંડનો આશરે 58% હિસ્સો વસૂલ્યો છે. આ ઉપરાંત, ICICI બેન્કે ₹353.50 કરોડ, કોટક મહિન્દ્રા બેન્કે ₹290.65 કરોડ, યસ બેન્કે ₹195.05 કરોડ અને IDBI બેન્કે ₹175.15 કરોડનો દંડ ગ્રાહકો પાસેથી વસૂલ કર્યો છે.
સરકારી બેન્કોમાં SBI ટોચ પર, પરંતુ સેવિંગ્સ એકાઉન્ટ માટે નિયમ અલગ
જાહેર ક્ષેત્રની (સરકારી) બેન્કોમાં SBI એ ₹477.27 કરોડનો સૌથી વધુ દંડ નોંધાવ્યો છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રકમ માત્ર કરંટ એકાઉન્ટ્સ (ચાલુ ખાતા) સાથે સંબંધિત છે, કારણ કે માર્ચ 2020થી SBIએ સેવિંગ્સ એકાઉન્ટ્સ પર મિનિમમ બેલેન્સ ન રાખવાનો દંડ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે. SBI પછી બેન્ક ઓફ બરોડાએ ₹394.10 કરોડ અને ઇન્ડીયન બેન્કે ₹299.17 કરોડનો દંડ વસૂલ્યો છે.
10 સરકારી બેન્કોએ ચાર્જ નાબૂદ કર્યો, જનધન ખાતાઓ સુરક્ષિત
સરકારે જણાવ્યું કે દેશની 12 સરકારી બેન્કમાંથી 10 બેન્કએ સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ લાગતો દંડ નાબૂદ કરી દીધો છે. આ ઉપરાંત, જો તમારી પાસે BSBDA કે પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) હેઠળનું ખાતું છે, તો તમારે મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. દેશમાં આવા આશરે 73 કરોડ ખાતાઓ છે, જેના પર કોઈ પેનલ્ટી લાગતી નથી. RBIના નિયમો મુજબ, બેન્કો ગ્રાહકો પર ચાર્જ લગાવી શકે છે, પરંતુ તે વાજબી હોવો જોઈએ અને દંડ લાગુ કરતા પહેલા ગ્રાહકોને SMS કે ઈમેઈલ દ્વારા જાણ કરવી ફરજિયાત છે.

