VIDEO: ‘મારા ઘરની બહાર 2500 લોકો આવી ગયા હતા...’, નસીરુદ્દીન શાહના વીડિયો પર કેમ ભડક્યા કંગના રનૌત?
દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ દ્વારા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાદ ભાજપના સાંસદ કંગના રનૌતે તેમને ‘લોમડી’ (શિયાળ) કહ્યા હતા. આ નિવેદન અંગે ખુલાસો કરતા કંગના રનૌતે બૉલિવૂડ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વલણ પર તીખા પ્રહારો કર્યા છે.
‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું આ વલણ નવું નથી’
કંગના રનૌતે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ કોઈ નવો મુદ્દો નથી; ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું વલણ હંમેશાં આવું જ રહ્યું છે. તમે સંસદ પર થયેલો હુમલો જોયો છે. મારા ઘણા સાંસદ મિત્રો છે જેમની કાર પર લોકો ચડી ગયા હતા અને કાચ તોડી નાખ્યા હતા. આ કોઈનાથી છૂપું નથી. મારા ઘરના દરવાજા સુધી 2500 જેટલા લોકો આવી પહોંચ્યા હતા અને એટલી મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવો પડ્યો હતો કે અમે રાત્રે ઊંઘી પણ શક્યા નહોતા. તેમ છતાં, જ્યારે આવી સ્થિતિ હતી ત્યારે આ લોકો મગરના આંસુ સારી રહ્યા હતા."
‘ઝારખંડના બાળકો માટે કેમ મૌન?’
ઝારખંડની ઘટનાઓનો ઉલ્લેખ કરતા ભાજપ સાંસદે સવાલ ઉઠાવ્યો હતો કે, "ઝારખંડમાં બાળકો પર જે અત્યાચારો થઈ રહ્યા છે, શું તેઓ Gen Z નથી? ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આ બમણો ચહેરો (પાખંડ) હવે નહીં ચાલે. જે લોકો જંતર-મંતરના વિરોધ પ્રદર્શનો પર મગરના આંસુ વહાવતા હતા, તેમણે હવે ઝારખંડના બાળકો માટે પણ એ જ આંસુ વહાવવા જોઈએ. તે બાળકો પણ પીડા ભોગવી રહ્યા છે."
તેમણે ઉમેર્યું કે, "મેં અવાજ એટલે ઉઠાવ્યો કારણ કે તેમણે એક અત્યંત નિંદનીય વીડિયો બનાવ્યો હતો જેમાં તેઓ ધમકીઓ આપી રહ્યા હતા."
‘પાકિસ્તાન પ્રેમ પર આપવો પડશે જવાબ’
બૉલિવૂડ અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર નિશાન સાધતા કંગનાએ આકરા શબ્દોમાં કહ્યું, "તેમની ફિલ્મો હોય, નિવેદનો હોય કે ઈન્ટરવ્યુ હોય... પાકિસ્તાન પ્રત્યેનો આ પ્રેમ ક્યારે પૂરો થશે? તેઓ હંમેશાં પાકિસ્તાનના પ્રેમમાં મગ્ન દેખાય છે. દેશના ભાગલા થયાને આટલા વર્ષો વિતી ગયા છતાં આ લવ સ્ટોરી કેમ ખતમ નથી થતી? બૉલિવૂડની પાકિસ્તાન સાથેની આ લવ સ્ટોરીનો અંત ક્યારે આવશે? તેમણે આનો જવાબ આપવો જ પડશે."

