ભાવનગરના યુવરાજે રોષ વ્યક્ત કરતા કહ્યું ‘મારા પૂર્વજોનો રાજકારણ માટે ઉપયોગ થશે તો…’

અમદાવાદના ગોતા ખાતેના રાજપૂત ભવનમાં શુક્રવારે (20મી સપ્ટેમ્બર) ક્ષત્રિય સમાજનું 'એકતા' સંમેલન યોજાયું હતું. જેમાં ભાવનગરનાં મહારાજા વિજયરાજસિંહજીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. પરંતુ આ ક્ષત્રિય સંમેલનની જાહેરાત અને આમંત્રણમાં પોતાના વડીલનો ફોટો અને નામના ઉપયોગ મુદ્દે ભાવનગરના યુવરાજ જયવીરસિંહ ગોહિલે રોષ વ્યક્ત કર્યો હતો. હવે યુવરાજ જયવીરરાજસિંહે આ મામલે કેટલીક સ્પષ્ટતા કરી છે અને શંકરસિંહ વાઘેલા સામે સવાલ ઊઠાવ્યા છે.
ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કરી સ્પષ્ટતા
ક્ષત્રિય મહાસંમેલન પહેલા યુવરાજે સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટની ભારે ચર્ચા થઈ હતી. સાથે જ અનેક સવાલો પણ ઉદભવ્યા હતા. ત્યારે વિવિધ અટકળો મુદ્દે ખુદ યુવરાજે સ્પષ્ટતા કરી હતી. ભાવનગરમાં આયોજિત પત્રકાર એકતા સંગઠનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, 'શંકરસિંહે વાઘેલાએ અયોગ્ય સમયે પ્રમુખ પદ માટે મારી સાથે વાત કરી હતી. મારા દાદાના મૃત્યુના 6 દિવસ બાદ શંકરસિંહની આવી વાત અયોગ્ય હતી'.
'શંકરસિંહે અયોગ્ય સમયે પ્રમુખ પદ માટે મારી સાથે વાત કરી'
'મારા દાદાનું બારમું પણ નહોતુ થયું અને શંકરસિંહ બાપુ અને તેમની સાથે આવેલા અગ્રણીઓએ મને ક્ષત્રિયોની નવી યુવા સંસ્થાના પ્રમુખપદની ઓફર કરી હતી. પોલિટિક્સ સાથે સીધી સંકળાયેલી બોડી ન હોય તેવી નવી સંસ્થા શંકારસિંહ બાપુ ઊભી કરવા માગતા હતા. ભાજપની માતૃ સંસ્થા જે રીતે RSS છે એવી સંસ્થા ઊભી કરવાની અને મને પ્રમુખ બનાવી યુવાનોને જોડવા માગતા હોવાની બાપુએ વાત કરી હતી.'
ભાવનગરના રાજવી પરિવાર વગર ક્ષત્રિય સમિતિનું શું અસ્તિત્વ?
યુવરાજ જયવીરરાજસિંહ કહ્યું હતું કે, 'ક્ષત્રિય સમિતિમાંથી ભાવનગરના રાજવી પરિવારનું નામ કાઢો તો શું અસ્તિત્વ રહેશે. ક્ષત્રિય એકતા માટે દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી. ક્ષત્રિય સમાજે વિચારવાનું કે આપણે કઈ દિશામાં જવું છે.'
ભાવનગરના યુવરાજે ફરી આપી ચિમકી
યુવરાજનું કહેવું છે કે 'ક્ષત્રિય સમાજને ખોટી વાત કહેવામાં આવે છે. વડીલોને માન સન્માન, પણ વડીલ પણ જ્યારે ખોટુ કરે તો, યુવાનોએ સામે આવીને કહેવું જોઈએ, વિરોધ વ્યક્ત કરવો જોઈએ' યુવરાજે વાતવાતમાં એવી ચિમકી પણ આપી દીધી કે 'જો મારા માતા-પિતા, વડીલો કે મારા પૂર્વજોનો રાજકારણ માટે ઉપયોગ કારશે તો હું એકલો તેમની સામે ઉભો રહીશ.'
સોશિયલ મીડિયા પોસ્ટ અંગે કરી સ્પષ્ટતા
ક્ષત્રિય મહાસંમેલન પહેલા સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટને લઈને યુવરાજ જયવીરરાજસિંહ કહ્યું હતું કે,'મે મારી પોસ્ટ મારા પિતાના સમર્થન માટે મુકી હતી. મારા પરિવાર કે પૂર્વજોને લઈને હું ક્યારેય રાજનીતિ નહીં કરુ.'

