VIDEO: દેશના 17 ખેલાડી પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત, આ યાદીમાં એક પણ ક્રિકેટર નહીં
ભારતીય રમતગમત જગત માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ આવી પહોંચી છે. ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કાર માટે 17 મહત્ત્વપૂર્ણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની ભલામણોના આધારે રમતગમત મંત્રાલય દ્વારા વિવિધ શ્રેણીઓમાં ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કાર રમત ક્ષેત્રે છેલ્લા 4 વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન, નેતૃત્વ, ખેલદિલી અને શિસ્ત દર્શાવનાર ખેલાડીઓને એનાયત કરવામાં આવે છે. અર્જુન પુરસ્કાર માટે પસંદ કરાયેલા 17 રમતવીરોની યાદીમાં ચેસ વર્લ્ડ કપ વિજેતા દિવ્યા દેશમુખ, ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતી, ડેકાથલીટ અને હાઈ જમ્પર તેજસ્વિન શંકર તથા બેડમિન્ટન સ્ટાર ગાયત્રી ગોપીચંદ અને તેમની ડબલ્સ પાર્ટનર ટ્રીસા જોલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એથ્લેટિક્સમાં મોહમ્મદ અજમલ વી અને પ્રિયંકા ગોસ્વામી, બોક્સિંગમાં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના સિલ્વર મેડલ વિજેતા નરેન્દ્ર, ડેફ શૂટિંગમાં ધનુષ શ્રીકાંત, હોકીમાં લાલરેમસિયામી અને રાજકુમાર પાલ, કબડ્ડીમાં સુર્જીત અને પૂજા, પેરા શૂટિંગમાં રૂદ્રાંશ ખંડેલવાલ, પેરા એથ્લેટિક્સમાં એકતા ભ્યાન, રોઇંગમાં અરવિંદ સિંહ તથા શૂટિંગમાં અખિલ શ્યોરાણની પસંદગી કરવામાં આવી છે. ફૂટબોલમાં વિશિષ્ટ યોગદાન આપનાર આઈ અરુમનાયગમને અર્જુન પુરસ્કાર (લાઈફટાઈમ) એનાયત થશે.

