ટ્રેનમાં 2 અજાણ્યા મુસાફરોને આપ્યો 1 જ ધાબળો, ભારતીય રેલ્વેને થયો ₹25000નો દંડ!

જો તમે પણ ટ્રેનમાં આરએસી અર્થાત રિઝર્વેશન અગેઇન્સ્ટ કેન્સલેશન (RAC - Reservation Against Cancellation) ટિકિટ પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ્હીના ગ્રાહક આયોગે (Consumer Forum) સેવામાં ક્ષતિ બદલ ભારતીય રેલ્વેને (Indian Railways) દોષી ઠેરવીને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટ્રેનમાં આરએસી ટિકિટ ધરાવતા મુસાફરને અન્ય અજાણ્યા મુસાફર સાથે એક જ ધાબળો (Blanket) શેર કરવા માટે મજબૂર કરવા બદલ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
આ ઘટના 28 ઓક્ટોબર છે. એક મુસાફરે પ્રયાગરાજથી (Prayagraj) દિલ્હી સુધીની મુસાફરી માટે ટિકિટ બુક કરાવી હતી, જેમાં તેમને આરએસી ટિકિટ મળી હતી. મુસાફરી દરમિયાન ટ્રેન એટેન્ડન્ટે (Attendant) બે અજાણ્યા મુસાફરો વચ્ચે માત્ર એક ધાબળો, એક ઓશીકું અને બે ચાદર આપી હતી.
જ્યારે મુસાફરે બીજો ધાબળો માંગ્યો, ત્યારે એટેન્ડન્ટે નિયમનું બહાનું બતાવીને વધારાનો ધાબળો આપવાનો ઇનકાર કર્યો હતો. સોશિયલ મીડિયા (X/Twitter) પર ફરિયાદ કરવા છતાં માત્ર એક ટુવાલ આપીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ કરાયો હતો. દિલ્હી પહોંચીને મુસાફરે આ અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
રેલ્વેનો બચાવ અને ગ્રાહક આયોગનો ચુકાદો
સુનાવણી દરમિયાન નોર્ધન રેલ્વેએ (Northern Railway) વિવિધ તર્ક રજૂ કર્યા હતા. જોકે, દિલ્હી ગ્રાહક વિવાદ નિવારણ આયોગે તપાસમાં નોંધ્યું કે રેલ્વેએ લિનેન સપ્લાય કરતી કોન્ટ્રાક્ટર કંપની પર આ ભુલ બદલ રૂ. 1000 નો દંડ પણ લગાવ્યો હતો, પરંતુ મુસાફરને કોઈ વળતર આપ્યું નહોતું.
ગ્રાહક આયોગે ૨૩ સપ્ટેમ્બર ૨૦૦૯ના સરકારી સર્ક્યુલરનો (Government Circular) હવાલો આપતાં સ્પષ્ટ કર્યું કે, એસી ક્લાસમાં (AC Class) આરએસી મુસાફરોના ભાડામાં જ બેડરોલનો (Bedroll) ચાર્જ સામેલ હોય છે. તેથી, દરેક આરએસી મુસાફરને અલગથી ધાબળો અને ચાદર મળવા જોઈએ.
આયોગે રેલ્વેને સેવા ખામી બદલ મુસાફરને કુલ રૂ. 25000 ચુકવવાનો આદેશ આપ્યો છે:
-
રૂ. ૨૦,૦૦૦: માનસિક અને શારીરિક ત્રાસના વળતર પેટે.
-
રૂ. ૫,૦૦૦: કોર્ટ કેસના ખર્ચ (Litigation Cost) તરીકે.
રેલ્વેને આ રકમ ચુકવવા માટે ૬૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

