VIDEO: ચાલુ ટ્રેનમાં ચઢવાના પ્રયાસમાં મુસાફર માંડ બચ્યાં
વડોદરા રેલવે સ્ટેશન પર બેદરકારીની ઘટના સામે આવી છે, જેમાં ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ એક મુસાફર માટે જીવલેણ સાબિત થતો બચ્યો હતો. પ્લેટફોર્મ નંબર-1 પર જયપુર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા મુંબઈના રહેવાસી સુરેશભાઈ ખાણી-પીણીની વસ્તુ લેવા માટે ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા. દરમિયાન ટ્રેન અચાનક જ રવાના થઈ જતા તેઓ દોડી ટ્રેન પકડવાનો પ્રયાસ કરતા પગ લપસતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરેશભાઈ અંદાજે 100 ફૂટ સુધી ટ્રેન સાથે ઢસડાતા પ્લેટફોર્મ પર અફરાતફરી મચી ગઈ હતી. અન્ય મુસાફરોએ બૂમાબૂમ કરી તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઇજાગ્રસ્ત સુરેશભાઈને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ ન કરવાની રેલવેની સલાહ કેટલી મહત્વની છે તે યાદ અપાવ્યું છે.

