Vav-Tharad news: 'ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે વિશ્વનું મોટું કેન્દ્ર બનીને ઉભરશે', PM મોદીએ 19,800 કરોડના વિકાસના કાર્યોનું કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત

વડાપ્રધાન મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે, હાલ તેઓ વાવ-થરાદ પહોંચી ગયા છે અને આશરે 19,800 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યું છે. વાવ-થરાદ નવો જિલ્લો બન્યા બાદ વડાપ્રધાન મોદીની અહીંની પ્રથમ મુલાકાત છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. PM મોદીએ આ પ્રસંગે જનસભા સંબોધી છે.
આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું કે, દાયકાઓ પહેલા ઉત્તર ગુજરાતની ઓળખ માત્ર સૂકો પ્રદેશ તરીકે થતી હતી. લોકોએ પાણી માટે કિલોમીટરો સુધી ભટકવું પડતું હતું અને તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા આ વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવતી હતી.
સોલર એનર્જીમાં ગુજરાત બનશે વિશ્વનું કેન્દ્ર
વડાપ્રધાને વર્ષ 2010ના સમયને યાદ કરતા કહ્યું કે, "આજથી 15-16 વર્ષ પહેલા મેં મુખ્યમંત્રી તરીકે ચારણકા (સારણપુર) ખાતે દેશના પ્રથમ સોલર પાર્કનું કામ શરૂ કરાવ્યું હતું. આ એક મલ્ટી ટેકનોલોજી પાર્ક હતો જેણે દેશમાં સોલર મૂવમેન્ટની શરૂઆત કરી." આજે ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક જેવી પરિયોજનાઓ સાથે ગુજરાત ટૂંક સમયમાં જ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે વિશ્વનું મોટું કેન્દ્ર બનીને ઉભરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
કનેક્ટિવિટી અને વિકાસને વેગ
વાવ, થરાદ અને બનાસકાંઠા પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાતના ગામડે ગામડે પાકા રસ્તાઓ, હાઈ-સ્પીડ હાઈવે અને વંદે ભારત જેવી ટ્રેનોની સુવિધા પહોંચાડવાનું કામ મિશન મોડમાં કરવામાં આવ્યું છે. આજે આશરે 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે, જે સમગ્ર ઉત્તર ગુજરાતની તસવીર બદલી નાખશે અને સ્થાનિક જીવનને નવી ગતિ આપશે.
ડીસા એરબેઝ: રાષ્ટ્રીય સુરક્ષાનો નવો મજબૂત પાયો
વડાપ્રધાને ખાસ નોંધ્યું કે આજે તેમનું વિમાન સીધું ડીસા એરબેઝ પર લેન્ડ થયું, જે તેમના માટે ગૌરવની ક્ષણ છે. ડીસા એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિમી દૂર હોવાથી દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. "જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે જ આ એરબેઝ માટે જમીન સંપાદન કર્યું હતું, પરંતુ દિલ્હીની તત્કાલીન સરકારે ગુજરાત પ્રત્યેના દ્વેષને કારણે આ ફાઈલો વર્ષો સુધી દબાવી રાખી હતી. તમે મને દિલ્હી મોકલ્યો અને મેં એ ફાઈલો બહાર કાઢી, જેના પરિણામે આજે એરફોર્સનું આ વિશાળ બેઝ તૈયાર થયું છે.
આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાજ્યના ઔદ્યોગિક, પરિવહન અને આધ્યાત્મિક વિકાસને વેગ આપતા કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ધાટન કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું રાજ્યપાલ, મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રીએ સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ ગાંધીનગરના કોબા ખાતે જવા રવાના થયા હતા.ગાંધીનગરના કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું નિર્માણ થયું છે. જેનું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું હતુ.
મ્યુઝિમ અંદાજે 115 કરોડના ખર્ચે તૈયાર કરાયું
આ મ્યુઝિયમ એટલે ભારતની ઐતિહાસિક વિરાસત અને ભવ્ય સંસ્કૃતિનો અદભુત સમન્વય. જૈન મુનિ પદ્મસાગર સૂરીશ્વરજીની પ્રેરણાથી આ મ્યુઝિયમ તૈયાર થયું છે. જેમાં હસ્તપ્રતો, વિજ્ઞપ્તિ પત્રોનો દુર્લભ સંગ્રહ જોવા મળશે. જૈન મુનિએ 60 વર્ષમાં ભારત અને નેપાળના ખૂણેખૂણે ફરીને લગભગ 2 લાખ કિ.મી.ની પદયાત્રા કરી. આ પદયાત્રા દરમિયાન તેમણે દુર્લભ સાંસ્કૃતિક અવશેષો અને ઐતિહાસિક પુરાવાઓનું સંકલન કર્યું. જેને આ સંગ્રહાલયમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે. આ સંગ્રહાલય ભારતની આધ્યાત્મિક ચેતના અને અહિંસાના વિચારોને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. લગભગ 95 હજાર સ્કવેર ફૂટમાં ફેલાયેલું મ્યુઝિમ અંદાજે 115 કરોડના ખર્ચે તૈયાર થયું છે.
મ્યુઝિયમને 7 અલગ-અલગ વિભાગમાં વહેંચીને 7 ગેલેરી તૈયાર કરાઈ
પ્રથમ ગેલેરીમાં ભગવાન ઋષભદેવથી લઈ નેમિનાથ સુધીના તીર્થંકરોના ચરિત્રનું આલેખન છે. સાથે અહીં 5 થી 15મી સદી સુધીની પ્રાચીન મૂર્તિઓ મૂકવામાં આવી છે.
બીજી ગેલેરીમાં 23મા તીર્થંકર પાર્શ્વનાથ તેમજ ધરણેન્દ્ર-પદ્માવતી દેવીની પ્રતિમાઓ મૂકાઈ છે.
મ્યુઝિયમની ત્રીજી ગેલેરી ભગવાન મહાવીર સ્વામીને સમર્પિત કરાઈ છે. જ્યાં 12મી સદીનો જૈન વારસો જીવંત થશે.
ચોથી ગેલેરીમાં 13મી થી 17મી સદીનો સુવર્ણકાળ દર્શાવાયો છે.
પાંચમી ગેલેરીમાં 18 થી લઈ 20મી સદીની કલા-સમૃદ્ધિનો ભવ્ય વારસો જોવા મળશે.
તો છઠ્ઠી ગેલેરીમાં ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક અને સાહિત્યિક ક્ષમતાના દર્શન થશે.
સાતમી ગેલેરીમાં શેત્રુંજય, ગિરનાર અને રાણકપુર જેવા તીર્થધામોની ડિજિટલ પ્રસ્તુતિ નિહાળી શકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોન'ના અત્યાધુનિક OSAT પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદમાં રૂપિયા 3300 કરોડના ખર્ચે નિર્મિત કેન્સ સેમિકોન'ના અત્યાધુનિક OSAT પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતું. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયેલ આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશનને નવી ગતિ આપશે, જ્યાં દરરોજ અંદાજે 60 લાખ ચિપનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સાણંદ વૈશ્વિક નકશા પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી આવશે, જે ભારતને ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અને મોટા પાયે રોજગારીની તકો ઉભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આજે સવારે, હું એક આધ્યાત્મિક કાર્યક્રમમાં હતો, અને અત્યારે, હું એક ડિજિટલ કાર્યક્રમમાં છું- PM મોદી
પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે જે સવારે, હું એક આધ્યાત્મિક કાર્યક્રમમાં હતો, અને અત્યારે, હું એક ડિજિટલ કાર્યક્રમમાં છું. કેન્સ સેમિકોન સુવિધાનું ઉદ્ઘાટન ભારતની આત્મનિર્ભરતા તરફની ગતિને મજબૂત બનાવે છે. તે એક મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણમાં એક સીમાચિહ્નરૂપ પગલું છે. સાણંદમાં બનાવવાવાળી વસ્તુ અમેરિકા જશે અને ત્યાંથી આખી દુનિયામાં જશે. સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે નવો બ્રિજ બની ગયો છે. આગળ તેમણે એવું પણ કહ્યું કે કેલિફોર્નિયાની કંપની માટે આ પ્લાન્ટ ઇન્ટેલિજેન્ટ પાવર મોડ્યુલ આપી રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે, “આ દાયકાને હું ભારતનો ટેકેટ કહું છું. AI મામલે ભારત દુનિયામાં સૌથી આગળ છે.”
ગુજરાતમાં કુલ ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી
ગુજરાતમાં કુલ ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી ત્રણ પ્લાન્ટ સાણંદમાં અને એક ધોલેરામાં સ્થાપિત થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ રાજ્યમાં રોકાણ, રોજગાર અને ટેક્નોલોજીકલ વિકાસને મોટો વેગ આપશે.ભારતીય મૂળની ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચર સર્વિસિસ કંપની દ્વારા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પ્રવેશ થવો પણ એક મહત્વપૂર્ણ મંજિલ છે. આ નવા પ્લાન્ટના કારણે સ્થાનિક સ્તરે સેમિકન્ડક્ટર પેકેજિંગ ક્ષમતામાં વધારો થશે અને “મેક ઈન ઈન્ડિયા” પહેલને વધુ મજબૂતી મળશે. કુલ મળીને, સાણંદ હવે દેશના સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું
સાણંદ સેમિકન્ડક્ટર હબ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે- PM મોદી
સાણંદ ગુજરાતમાં સેમિકન્ડક્ટર હબ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં કેઇન્સ સેમિકોનના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેના સાથે જ રાજ્યમાં એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત બની ગયો છે. આ પ્લાન્ટમાં કોમર્શિયલ પ્રોડક્શનની શરૂઆત પણ કરવામાં આવી છે, જે ભારતના ટેક્નોલોજી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે ‘આજનો દિવસ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડને ચરિતાર્થ કરે છે.આ શરુઆતથી ભારતની ઇકોનોમિક ઇકોસિસ્ટમને મજબુતી મળશે. આ મિશનથી દેશના 6 રાજ્યોમાં 10 પ્રોજેક્ટ પર કામ થઇ રહ્યુ છે. કેઇન્સ અને માઇક્રોપ્રોજેક્ટ પણ આના જ ભાગ છે. સાણંદમાં બનવાવાળી ચિપ અમેરિકા સુધી પહોંચશે.
જય જિનેન્દ્રના જયઘોષ સાથે પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ‘જય જિનેન્દ્ર’ના જયઘોષ સાથે કરી હતી. તેમણે જણાવ્યું કે, 'હું કોબા તીર્થથી દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામના આપું છું. હું આજે પરમપૂજ્ય આચાર્ય કૈલાશસાગર સૂરીશ્વરજીને યાદ કરું છું. તેમની પ્રેરણાથી આ મહાન તીર્થની સ્થાપના થઈ છે. અહીં મૂલ્યોનું સંરક્ષણ થાય છે, સંસ્કારને સંબલ મળે છે અને જ્ઞાનનું પોષણ થાય છે. આ ત્રિવેણી ભારતીય સભ્યતાનો આધાર છે. આ ત્રિવેણીને અવિરત જાળવી રાખવાનું આપણું દાયિત્વ છે. હજારો વર્ષની ભારતીય વિરાસત, જૈન ધર્મનું જ્ઞાન આગલી પેઢી સુધી પહોંચાડવા આપણા સંતોએ આ મ્યુઝિયમની સંકલ્પના કરવામાં આવી. આ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય જૈન દર્શન અને પ્રાચીન વારસાનું પવિત્ર કેન્દ્ર બન્યું છે. હું સૌ જૈન મુનિનું અભિનંદન અને તેમના ચરણોમાં પ્રણામ કરું છું.'
ઇતિહાસના પાનાઓ ટાંકીને પીએમ મોદીએ જણાવ્યું હતું કે, 'દુનિયામાં અનેક દાર્શનિકો અને શાસકો થયા, પરંતુ જ્યારે સત્તા અને શક્તિની વાત આવી ત્યારે ઘણાંએ આદર્શોને નેવે મૂકી દીધા હતા. જેના કારણે સત્તા અને મૂલ્યો વચ્ચે એક મોટી ખાઈ સર્જાઈ હતી. પરંતુ સમ્રાટ સંપ્રતિએ સત્તાને માત્ર ભોગનું સાધન નહીં, પણ સેવા અને સાધના તરીકે જોયું હતું. સમ્રાટ સંપ્રતિએ અહિંસા, સત્ય અને અપરિગ્રહનો પ્રચાર કરીને ભારતીય દર્શન અને વ્યવહારને એક તાંતણે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.'

