VIDEO: PM મોદીએ લોકાર્પણ કરેલા મ્યુઝિયમનું નામ 'સમ્રાટ સંપ્રતિ' કેમ રખાયું? જાણો તેનો ઈતિહાસ
પીએમ મોદી એક મહિનામાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. દરમિયાન સૌથી પહેલા તેમણે ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ લીધા હતા. મહાવીર જયંતિના પવિત્ર અવસરે શરૂ થયેલું આ મ્યુઝિયમ અહિંસા, આધ્યાત્મિકતા અને ભારતીય પરંપરાઓને ઉજાગર કરે છે.
‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ
મહાવીર જ્યંતીના પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના કોબા ખાતે જે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ કર્યું છે, તેની પાછળ એક મહાન સંતનો દાયકાઓનો પુરુષાર્થ અને સમર્પણ છુપાયેલું છે. આ મ્યુઝિયમ માત્ર એક ઇમારત નથી, પરંતુ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજનું જીવનભરનું સ્વપ્ન છે.
આ મ્યુઝિયમમાં સંગ્રહિત અમૂલ્ય વારસો કોઈ સામાન્ય ખરીદી દ્વારા નથી આવ્યો, પરંતુ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગર સૂરીશ્વરજીએ છેલ્લા 60 વર્ષોમાં ભારત અને નેપાળની પદયાત્રા કરી છે. આ પદયાત્રા દરમિયાન તેમણે વિવિધ પ્રદેશોમાંથી અતિ દુર્લભ સાંસ્કૃતિક અવશેષો, હસ્તપ્રતો અને ઐતિહાસિક પુરાવાઓ શોધી કાઢ્યા હતા. આ અમૂલ્ય ખજાનાને આવનારી પેઢીઓ માટે અત્યંત શ્રદ્ધા અને આધુનિક તકનીક સાથે આ મ્યુઝિયમમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે.
કોણ હતા સમ્રાટ સંપ્રતિ?
આ મ્યુઝિયમનું નામ સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિ પરથી રાખવામાં આવ્યું છે. જૈન ઇતિહાસમાં તેમનું સ્થાન અત્યંત ગૌરવશાળી છે. તે અહિંસા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. જૈન પરંપરા મુજબ, તેમણે જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં અને અનેક જિનાલયોના નિર્માણમાં પાયાનું યોગદાન આપ્યું હતું. મ્યુઝિયમ દ્વારા સમ્રાટ સંપ્રતિના સમયની અને જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ઝાંખી વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે.
23મી એપ્રિલથી મ્યુઝિયમ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ મ્યુઝિયમ દેશ-વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે ભારતની પ્રાચીન આધ્યાત્મિક ચેતનાને સમજવાનું એક મુખ્ય કેન્દ્ર બની રહેશે.

