VIDEO: Vav- Tharad / રાટીલામાં જનસંપર્ક દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ
સમગ્ર ગુજરાત સહિત વાવ-થરાદ પંથકમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. દરેક પક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રીઝવવા ગામડે-ગામડે જનસંપર્ક કરી રહ્યા છે. આ દરમિયાન દિયોદર તાલુકાની રાટીલા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ પક્ષનો ભવ્ય જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
જનસંપર્ક કાર્યક્રમમાં સંબોધન કરતા ગુલાબસિંહ રાજપૂતે ખેડૂતોનો મુદ્દો મુખ્યત્વે ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "આ મોંઘવારીના યુગમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતને તેની ખેત પેદાશોના પૂરતા ભાવ મળી રહ્યા નથી, જ્યારે બીજી તરફ ખાતર અને બિયારણના ભાવમાં સતત વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. ખેડૂતની આવક સામે ખેતીનો ખર્ચ વધી રહ્યો છે, જેના કારણે જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે."
સરકારની યોજનાઓ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર માત્ર પોતાના મળતિયાઓ, મિત્રો અને ભાગીદારોને સાચવવા માટે જ યોજનાઓ લાવે છે. સામાન્ય જનતાના હિત કરતા અમુક ચોક્કસ લોકોની ઇન્કમ કેવી રીતે વધે તે જ સરકારની પ્રાથમિકતા રહી છે.
ચૂંટણીમાં થયેલા વિલંબ અંગે ગુલાબસિંહ રાજપૂતે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નિયમ મુજબ દર પાંચ વર્ષે યોજાવી જોઈએ. પરંતુ ભાજપે ભ્રષ્ટાચાર કરવાના બદઈરાદે વહીવટદારોની નિમણૂક કરી અને પાંચ વર્ષના બદલે આઠ વર્ષે ચૂંટણી લાવી છે."
આ કાર્યક્રમમાં રાટીલા જિલ્લા પંચાયત બેઠકના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ચૂંટણીના દિવસો નજીક આવતા હવે વાવ, થરાદ અને દિયોદર પંથકમાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે.

