વલસાડના ભિલાડ સ્ટેશને મોટી દુર્ઘટના ટળી: વિરાર-ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઊતર્યું, મુસાફરોના શ્વાસ અધ્ધર

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ભિલાડ રેલવે સ્ટેશન પર આજે (28મી જુલાઈ) વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. વિરારથી ભરૂચ તરફ જતી મેમુ (MEMU) ટ્રેન ભિલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ઊભી રહે તે પહેલાં જ તેનું એન્જિન પાટા પરથી નીચે ઊતરી ગયું હતું. આ ઘટનાને પગલે સ્ટેશન પર અને ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા!
મળતી માહિતી મુજબ, વહેલી સવારે વિરાર-ભરૂચ મેમુ ટ્રેન ભિલાડ રેલવે સ્ટેશને પહોંચી રહી હતી ત્યારે પ્લેટફોર્મ પર ઊભી રહે તે પહેલાં જ ટ્રેનનું એન્જિન પાટા પરથી ખડી પડ્યું હતું. ઘટના બનતાં જ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બનાવની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને એન્જિનને ફરી પાટા પર લાવવાની કવાયત હાથ ધરી હતી. આ ઘટના કયા કારણોસર બની તે અંગે રેલવે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
મુંબઈ રૂટનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત
આ દુર્ઘટનાના કારણે મુંબઈ તરફથી આવતો અને જતો રેલ વ્યવહાર ખોરવાયો હતો. જેને પગલે અનેક ટ્રેનો મોડી પડી હતી. જેમ કે, વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ મોડી પડી હતી. જેના કારણે દૈનિક નોકરીયાતો, વેપારીઓ અને અન્ય મુસાફરો સ્ટેશનો પર અટવાઈ પડ્યા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ વલસાડના પારડી અને ઉદવાડા વચ્ચે ખડકી નજીક ભારે વરસાદને કારણે ટ્રેક નજીક માટી ધસી પડી હતી, જેના કારણે પણ વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ત્યાં જ આજે ફરી ભિલાડ પાસે આ ઘટના બનતાં રેલવે મુસાફરોની ચિંતામાં વધારો થયો છે.

