વલસાડમાં વરસાદનો વિકરાળ કહેર! 8 કલાકમાં 8.23 ઇંચ વરસાદ, 326 માર્ગો બંધ, જનજીવન અસ્તવ્યસ્ત

વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું હતું. સતત 3 દિવસથી વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે 22 જુલાઈએ 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 8.23 ઇંચ, ઉમરગામમાં 6.61 ઇંચ, પારડીમાં 6.54 ઇંચ વરસાદ ખાબક્યો છે. વાપી શહેરમાં પડેલા દેમાર વરસાદને કારણે જગનપાર્કમાં અનેક રો-હાઉસમાં પાણી ભરાતા ભારે નુકશાન થયું હતું. અતિભારે વરસાદને પગલે વલસાડ જિલ્લામાં 326 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.
વલસાડના તાલુકામાં જળબંબાકારની સ્થિતિ
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની રમત રમતા જળબંબાકાર સાથે નદી નાળા છલકાયા છે. વલસાડના અનેક તાલુકામાં અતિભારે વરસાદને કારણે જનજીવન પર માઠી અસર પહોંચી છે. ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન (પંચાયત) હસ્તકના 313 અને સ્ટેટ હસ્તકના 13 મળી કુલ 326 માર્ગો બંધ કરાતા વાહનચાલકો અટવાયા છે.
અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું
વલસાડ, નાનાપોંઢા, પારડી, વાપી, ધરમપુર, ઉમરગામમાં જળબંબાકરની સ્થિતિને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરના જગનપાર્કના અનેક રો હાઉસમાં, જીઆઇસીસીના સૂર્યા સોસાયટી, ધર્મનંદન સોસાયટી, હરિયા હોસ્પિટલ રોડ, કસ્ટમ રોડ, સ્વામીનારાયણ ગુરુકુલ રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ચોમાસા પૂર્વે પાણીના નિકાલ અંગે કોઈ પૂર્વ આયોજનના અભાવ અને ગટર સાફ નહીં કરાતા સમસ્યા જટિલ બની હતી. કરોડના રૂપિયાના ખર્ચે પાણીની ગટર યોજના બનાવાઈ પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે કરોડો રૂપિયા પાણીમાં ગયાનું સ્પષ્ટ ફલિત થાય છે.
મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો
વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં કેચમેન્ટ વિસ્તાર અને ઉપવાસમાં રાત્રિની શરૂ થયેલા વરસાદને કારણે પાણીની આવક વધતા તબક્કાવાર પાણી છોડવાનું શરૂ કરાયું હતું. બુધવાર(22 જુલાઈ) સવારે 7 વાગ્યે ડેમમાં 102166 કયુસેક પાણીની આવક થતાં ડેમના 7 દરવાજા 3.10 મીટર અને 1 દરવાજો 1.40 મીટર ખુલ્લો કરી દમણગંગા નદી મારફતે 99808 કયુસેક પાણી છોડવાનું શરુ કરાયું હતું. સવારે 7 વાગ્યે ડેમની સપાટી 74.35 મીટર નોંધાઇ હતી. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બંને કાંઠે વહી હતી.
326 માર્ગો બંધ
છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ પાણી ભરાવા, માર્ગ ધોવાઈ જવા તેમજ પુલ-કલ્વર્ટ ઉપરથી પાણી વહેવાના કારણે માર્ગ અને મકાન (પંચાયત) હસ્તકના 313 અને માર્ગ અને મકાન (સ્ટેટ) હસ્તકના 13 મળી કુલ 326 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. જેમાં વલસાડના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ અસરગ્રસ્ત સ્થળોએ રસ્તાઓ બંધ હોવાની સૂચના દર્શાવતા બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય અને લોકો જોખમી માર્ગો પર અવરજવર ન કરે.
વરસાદની સ્થિતિ હળવી થતાં ફરી વાહનવ્યવાહર શરૂ કરાશે
વિભાગ દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ જ્યાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે ત્યાં માર્ગોને વહેલી તકે ફરીથી વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ આ માટે સતત કાર્યરત છે.
બંધ કરાયેલા માર્ગ પરથી પસાર ન થવા તંત્રની અપીલ
જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરના જણાવ્યા મુજબ, જિલ્લા વહીવટીતંત્ર અને પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે વરસાદની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંધ કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે, બેરિકેડ્સ દૂર ન કરે અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરે.
વલસાડ જિલ્લામાં 8 કલાકનો વરસાદ
વલસાડ જિલ્લામાં છેલ્લ ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 22 જુલાઈએ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના તાલુકામાં ખાબકેલા વરસાદના આંકડા…
-
વલસાડમાં 8.23 ઇંચ
-
ઉમરગામમાં 6.61 ઇંચ
-
પારડીમાં 6.54 ઇંચ
-
કપરાડામાં 3.9 ઇંચ
-
નાનાપોંઢામાં 3.78 ઇંચ
-
વાપીમાં 3.11 ઇંચ
-
ધરમપુરમાં 2.68 ઇંચ

