રાજસ્થાનના સીકરમાં Valsad ના યાત્રાળુઓ ભરેલી બસને અકસ્માત, 3ના મોત, 28 ઘાયલ

વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહેલા અને ખાટુશ્યામજીના દર્શને જઈ રહેલા વલસાડના શ્રદ્ધાળુઓ ભરેલી સ્લીપર બસને રાજસ્થાનના સીકર જિલ્લામાં ગંભીર અકસ્માત નડ્યો છે. આ ગમખ્વાર દુર્ઘટનામાં 3 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે લગભગ 28 જેટલા મુસાફરો ઘાયલ થયા છે.
મોડી રાત્રે ટ્રક સાથે થઈ ધડાકાભેર ટક્કર
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત મોડી રાત્રે સીકર જિલ્લામાં જયપુર-બીકાનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફતેહપુર નજીક સર્જાયો હતો. ગુજરાતના વલસાડથી આવેલી સ્લીપર બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં આ દુર્ઘટના ઘટી હતી. બસમાં કુલ 50 જેટલા મુસાફરો સવાર હતા, જે તમામ ગુજરાતના વલસાડ તાલુકાના રહેવાસી હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મુસાફરો અંદર ફસાઈ ગયા હતા.
વૈષ્ણોદેવીથી પરત ફરતા સમયે નડ્યો અકસ્માત
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વલસાડના આ યાત્રાળુઓ જમ્મુ સ્થિત વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને તેમની યાત્રા દરમિયાન રાજસ્થાનમાં આવેલા ખાટુશ્યામજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાંના કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

