પારસી ગૌરવનો દિવસ: સંજાણ ડે નિમિત્તે ભારતભરના પારસીઓ Valsad ના બંદર પર ઉમટ્યા, અગ્નિદેવ સાથે આગમનનો ઇતિહાસ ઉજવાશે
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઐતિહાસિક સંજાણ બંદરે આજે 'સંજાણ ડે' ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આજથી આશરે 1305 વર્ષ અગાઉ ઈરાનથી દરિયાઈ માર્ગે પોતાના અગ્નિદેવ સાથે પારસીઓનું એક ટોળું અહીં સંજાણ બંદરે આવ્યું હતું, અને ભારતમાં તેમના વસવાટની શરૂઆત થઈ હતી.
દૂધમાં સાકરની જેમ ભળી જવાનો વાયદો
ઇતિહાસકારો મુજબ, પારસીઓના આ ટોળાએ સંજાણના તે સમયના રાજા જાદી રાણા પાસે રહેવાની મંજૂરી માંગી હતી. રાજાએ જ્યારે તેમની શરત પૂછી, ત્યારે પારસીઓએ દૂધના કટોરામાં સાકર નાખીને જણાવ્યું હતું કે જેમ સાકર દૂધમાં ભળી જાય છે, તેમ તેઓ પણ ભારતીય સંસ્કૃતિમાં ભળી જશે અને દેશને મીઠો બનાવશે. રાજા જાદી રાણાએ આ વાત સ્વીકારીને તેમને રહેવાની મંજૂરી આપી હતી.
કીર્તિ સ્તંભની પૂજા કરી માને છે આભાર
પારસી સમાજ રાજા જાદી રાણાનો આ ઉપકાર વર્ષોથી યાદ કરી રહ્યો છે. આ જ ઉપકારને યાદ કરવા અને રાજાનો આભાર માનવા માટે દર વર્ષે 'સંજાણ ડે' ની ઉજવણી કરવામાં આવે છે.
આજના પવિત્ર દિવસે ભારતભરમાંથી પારસી સમુદાયના લોકો સંજાણ ખાતે આવે છે અને કીર્તિ સ્તંભની પૂજા કરે છે. આ ઉજવણી થકી તેઓ ભારતમાં શાંતિપૂર્ણ રીતે વસવાટ કરવા દેવા બદલ રાજા જાદી રાણાનો આભાર વ્યક્ત કરે છે.
આજના વિશેષ દિવસને ધ્યાનમાં રાખીને સંજાણ રેલવે સ્ટેશન પર કેટલીક એક્સપ્રેસ ટ્રેનોને અપ-ડાઉન સ્ટોપ પણ આપવામાં આવે છે, જેથી બહારથી આવતા યાત્રાળુઓને સુવિધા મળી શકે.

