Valsad: આદિવાસીઓ વિરુદ્ધ ફરિયાદ મામલે કોંગ્રેસે બાયો ચડાવી, ભાજપ ધારાસભ્ય પર લગાવ્યા આક્ષેપ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રાજકારણ ગરમાયું છે. ઉમરગામના ભાજપ ધારાસભ્ય દ્વારા આદિવાસીઓ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદના મામલે જિલ્લા કોંગ્રેસ સમિતિએ આદિવાસીઓના સમર્થનમાં મોરચો માંડ્યો છે અને ધારાસભ્ય સામે બાયો ચડાવી છે.
ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને આદિવાસી સમાજના લોતો એકઠા થયા હતા. જિલ્લા કોંગ્રેસે ઉમરગામના ભાજપ ધારાસભ્ય રમણ પાટકર પર ગંભીર આક્ષેપો મૂક્યા છે, કે ભાજપના ધારાસભ્યે આદિવાસીઓના પડખે ઊભા રહેવાને બદલે કંપની સંચાલકોની તરફેણ કરી છે. તેમણે ગરીબ આદિવાસીઓના ઘરો વિરુદ્ધ સંકલન સમિતિમાં પ્રશ્ન મૂક્યો છે, જેના કારણે આદિવાસીઓના અસ્તિત્વ પર 'લટકતી તલવાર' મૂકવામાં આવી છે. ઉમરગામ આદિવાસી વિસ્તાર હોવા છતાં અને ધારાસભ્ય પોતે પણ આદિવાસી સમાજના હોવા છતાં, તેઓ ગરીબો પર અત્યાચાર કેમ થવા દે છે, તેવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો છે.

