VIDEO: ડભોઈમાં રાજકીય રણસંગ્રામ! ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ સહિત 7 સામે એસિટી હેઠળ ગુનો દાખલ
VIDEO: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ડભોઇ તાલુકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં છૂટાહાથની મારામારી થઈ હતી. આ ઘટનામાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે એટ્રોસિટી અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, ગઈકાલે તાલુકા પંચાયત ખાતે ફોર્મ ખેંચવાની કે અન્ય પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. આ અથડામણ બાદ કુંઢેલા ગામના નવીનગરી વિસ્તારમાં રહેતા મૂળજીભાઈ વસાવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ નેતાઓ સામે નોંધાઈ ફરિયાદ
મૂળજીભાઈ વસાવાની ફરિયાદના આધારે પોલીસે કુલ 7 લોકો સામે એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. જેમાં મુખ્યત્વે:
સુધીર બારોટ: પ્રમુખ, ડભોઈ તાલુકા કોંગ્રેસ.
રાકેશ પટેલ: થુવાવી બેઠક પરના કોંગ્રેસના જિલ્લા પંચાયત ઉમેદવાર.
અન્ય 5 શખ્સો સામે પણ ગુનો નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ચૂંટણી ટાણે જ કોંગ્રેસ માટે કપરાં ચઢાણ
એક તરફ મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના તાલુકા પ્રમુખ અને જિલ્લા પંચાયતના ઉમેદવાર સામે જ પોલીસ ફરિયાદ નોંધાતા કોંગ્રેસના પ્રચાર પર તેની માઠી અસર પડી શકે તેમ છે. ભાજપે આ ઘટનાને કોંગ્રેસની 'ગુંડાગીરી' ગણાવી છે, જ્યારે કોંગ્રેસે આને સત્તાધારી પક્ષનું 'ષડયંત્ર' ગણાવી રહી છે. હાલ ડભોઇ પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

