AMC Election 2026: ચૂંટણીના મેદાનમાં ભાજપનું 'ડૅમેજ કંટ્રોલ'નિષ્ફળ? પ્રેરક શાહની પક્કડ ઢીલી પડતા CM-ડેપ્યુટી CMને ઉતરવું પડ્યું મેદાનમાં!

AMC Election 2026: અમદાવાદ શહેર સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચુક્યું છે. ગત રોજ 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પણ સાંગોપાંગ પૂર્ણ થઈ ચુકી છે, ત્યારે અમદાવાદ શહેરમાં ભાજપ બે બેઠકો પર બિન હરીફ થવામાં સફળ થઈ ગઈ છે.જ્યારે ચાર બેઠક પર કોગ્રેસના ઉમેદવારને ફોર્મ પાછા ખેંચવામાં ભાજપ સફળ રહ્યું છે. પરંતુ ભાજપમાં જ ચર્ચા ચાલી રહી છે કે, આ આખી પ્રક્રિયામાં શહેર પ્રમુખ ગાયબ રહ્યા હતા.અને સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે ફોટા પડાવતા નજરે પડ્યા હતા. આમ છતાં કેટલીક બેઠકો બિન હરીફ કરવામાં મહામંત્રી સફળ રહ્યા હતા. તો કેટલીક જગ્યા પર ઓપરેશનમાં ધારાસભ્ય સફળ રહ્યા હતા. પરંતુ આ આખી ઘટનાથી અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ ઊંઘતા ઝડપાયા હોવાનો કાર્યકરોમાં ગણગણાટ થઈ રહ્યો છે.
બીજી તરફ, અમદાવાદ શહેરના વિવિધ વોર્ડ જેવા કે, સરદાર નગર, કુબેરનગર, ઈન્ડિયા કોલોની, બાપુનગર, અમરાઈવાડી વોર્ડમાં ડૅમેજ કંટ્રોલ માટે સીએમ, ડેપ્યુટી સીએમને જાતે ચૂંટણીના મેદાનમાં ઉતરવું પડ્યું હતું. આમ છતાં આ વોર્ડમાં કકળાટ યથાવત્ છે. પરંતુ શહેર પ્રમુખ સ્થિતિ પર કાબૂ મેળવી નથી શક્યા. તો, આ તરફ ખાડિયા વોર્ડમાં પણ સ્થિતિ ભાજપ માટે કપરાં ચઢાણ જેવી સાબિત થઈ રહી છે. સરવાળે આવી પરિસ્થિતિમાં સુધારો લાવવામાં પણ અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહ કંઈ વધુ યોગદાન નથી આપી શક્યાની કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે.
બીજી તરફ દાણીલીમડા વોર્ડમાં શહેઝાદ ખાન પઠાણે ત્રણ ઉમેદવારનું ઓપરેશન પાર પાડી દીધું, ત્યાં સુધી શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહને કશી ગંધ ન આવી અંધારામાં રહ્યા હતા. ભૂતકાળમાં જ્યારે પણ ચૂંટણી આવી છે, ત્યારે શહેર પ્રમુખો દ્વારા મતો અંકે કરવામાં માટે તમામ પ્રકારની ગોઠવણ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે ઘણા વોર્ડમાં ભાજપ માટે સ્થિતિ વિકટ છે. ત્યારે જોવું રહ્યું આગામી સ્થિતિ ભાજપ માટે કેવી રહે છે.

