Video/ Vadodaraના માંજલપુરમાં પરિણીતા પર હુમલો, ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગત રાત્રે એક પરિણીતા પર હુમલો થવાની ઘટના સામે આવી છે. મારુતિ ધામ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતી વૈશાલીબેન પર સ્થાનિક વ્યક્તિ દ્વારા બેટ અને સ્ટમ્પથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
માહિતી મુજબ વિસ્તારમાં એક કૂતરું ઘર નજીક ગંદકી કરતું હોવા અંગે વૈશાલીબેને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે કૂતરાના માલિક દિપરાજસિંહ ચૌહાણ સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ વિવાદ ઉગ્ર બનતા દિપરાજસિંહે વૈશાલીબેનને બેટ અને સ્ટમ્પથી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
હુમલામાં વૈશાલીબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીની પૂછપરછ શરૂ કરી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત મહિલાના પતિ વિકાસે આક્ષેપ કર્યો હતો કે તેમની પત્નીને જાનથી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

