VIDEO: ડભોઈમાં ‘પહેલા લખી આપો, પછી મત આપો’! વોર્ડ નં.1માં ભાજપના ઉમેદવારો પાસે રહીશોએ લખાવ્યો બાંહેધરી પત્ર
VIDEO: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં એક અભૂતપૂર્વ રાજકીય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે ઉમેદવારો મૌખિક વાયદાઓ કરીને મત મેળવતા હોય છે, પરંતુ ડભોઇની આયુષ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ આ વખતે કંઈક અલગ જ રસ્તો અપનાવ્યો છે. રહીશોએ ભાજપના ચારેય ઉમેદવારો પાસે લેખિતમાં બાંહેધરી પત્ર લખાવ્યો છે કે ચૂંટાયા બાદ તેઓ પ્રાથમિક સુવિધાઓ પૂરી કરશે.
શું છે રહીશોની મુખ્ય સમસ્યા?
આયુષ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટર અને રસ્તાની ગંભીર સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે સોસાયટીની ગટર લાઈન મુખ્ય રસ્તાની મેઈન લાઈન સાથે યાંત્રિક ખામીને કારણે જોડાયેલી નથી, પરિણામે ગટરો ઉભરાય છે. દર વર્ષે ચોમાસા દરમિયાન સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ડભોઈ નગરપાલિકામાં ભાજપની સત્તા હોવા છતાં આ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મતદારોમાં ભારે નારાજગી છે.
ઉમેદવારોએ લખી આપ્યો બાંહેધરી પત્ર
મતદારોનો આક્રોશ પારખી ગયેલા ભાજપના ઉમેદવારોએ લેખિતમાં બાંહેધરી આપી છે કે જો તેઓ વિજેતા બનશે, તો નગરપાલિકાના વહીવટમાં સકારાત્મક રીતે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી આપશે. રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી સમયમાં આ કામોનો નિકાલ નહીં આવે તો તેઓ ભવિષ્યમાં ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.
સોસાયટીના આગેવાન મિતેશભાઇ પંચાલના જણાવ્યા મુજબ, રહીશો હવે નેતાઓના પોકળ વાયદામાં આવવા માંગતા નથી. આધુનિક ટેક્નોલૉજીના યુગમાં જાગૃત થયેલા મતદારોનો આ મિજાજ નગરપાલિકાના ભાજપના વહીવટની ઝાંખી કરાવે છે. ચૂંટણી પહેલા થયેલું આ 'લેખિત કરાર' અત્યંત મહત્ત્વનું છે અને ડભોઇના રાજકારણમાં આ એક અદભુત કિસ્સો બની રહ્યો છે.

