Video/ "પેપરમાં આવે એ પાર્ટીમાં ના આવે": ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષના નિવેદનથી વડોદરાના દાવેદારોમાં ફફડાટ!
વડોદરા શહેર ભાજપના સંગઠનમાં મહામંત્રી સહિતના પદો માટે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિએ કરેલા એક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. વડોદરાના 'નમો કાર્યાલય' ખાતે આયોજિત સન્માન સમારોહમાં તેમણે દાવેદારોને જે સ્પષ્ટ સંકેત આપ્યો છે, તેનાથી અનેકની ઊંઘ હરામ થઈ ગઈ છે.
શું હતું એ નિવેદન?
નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ અને યુવા મોરચાના અધ્યક્ષના સન્માન કાર્યક્રમમાં રસિક પ્રજાપતિએ સ્ટેજ પરથી ટાંક્યું હતું કે, "પેપરમાં આવે એ પાર્ટીમાં ના આવે." આ વાક્ય સાંભળતા જ હોલમાં સોપો પડી ગયો હતો અને કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો.
દાવેદારોનું ટેન્શન વધ્યું
વડોદરા શહેર ભાજપમાં અત્યારે મહામંત્રી સહિતના મહત્ત્વના પદો માટે લોબિંગ તેજ બન્યું છે. ઘણા દાવેદારો પોતાના નામ મીડિયા કે અખબારોમાં ચમકાવીને હાઈકમાન્ડ પર દબાણ લાવવાની રણનીતિ અપનાવી રહ્યા છે. ત્યારે રસિક પ્રજાપતિના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાર્ટી હવે 'મીડિયા હાઈપ' ના આધારે પદ આપવા તૈયાર નથી.
જેમના નામ પેપરમાં સતત ચમકે છે, તેમના નામ યાદીમાંથી કપાઈ શકે છે. સંગઠનમાં નિમણૂક માટે પ્રચાર નહીં, પણ પાયાનું કામ જ ચાલશે.
રસિક પ્રજાપતિનું વધતું કદ
નોંધનીય છે કે રસિક પ્રજાપતિ ગત વર્ષે જ જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા હતા અને ટૂંકા ગાળામાં તેમની પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ છે. તેમના આ નિવેદનને પ્રદેશ નેતૃત્વનો કડક સંદેશ માનવામાં આવી રહ્યો છે.
હવે જોવાનું એ રહેશે કે આ નિવેદન બાદ વડોદરા ભાજપના દાવેદારોની રણનીતિ શું રહે છે. શું ખરેખર પેપરમાં ચમકતા નામો યાદીમાંથી ગાયબ થશે?

