Video/ વડોદરાના પાદરામાં મહીસાગર નદીમાં મુસાફરો ભરેલી નાવડી પલટી, 8નો ચમત્કારિક બચાવ!
વડોદરાના પાદરા પંથકમાં મહીસાગર નદીમાં એક મોટી હોનારત થતા રહી ગઈ છે. પાદરાથી ગંભીરા તરફ જઈ રહેલી એક નાવડી નદીના મધ્યમાં પલટી ગઈ હતી. નાવડીમાં સવાર 8 થી વધુ લોકો પાણીમાં પડ્યા હતા, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
કેવી રીતે બની ઘટના?
મળતી માહિતી મુજબ, પાદરા અને ગંભીરાને જોડતો બ્રિજ તૂટી ગયો હોવાથી સ્થાનિક લોકો અવરજવર માટે જોખમી રીતે નાવડીનો સહારો લઈ રહ્યા છે. આ નાવડીમાં આશરે 8 થી વધુ લોકો સવાર હતા. મુસાફરો પાદરા તરફથી ગંભીરા તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક નાવડી સંતુલન ગુમાવી બેઠી હતી અને નદીના પાણીમાં પલટી ગઈ હતી.
નાવડી પલટતા જ ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
બ્રિજ તૂટતા લોકો મજબૂર
આ ઘટના પાછળનું મુખ્ય કારણ બ્રિજની અનુપલબ્ધતા છે. બ્રિજ તૂટી ગયા બાદ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકો દરરોજ જીવના જોખમે મહીસાગર નદી ઓળંગવા માટે નાવડીનો ઉપયોગ કરે છે, જે આજે એક મોટી દુર્ઘટનામાં પરિણમી શકી હોત.

