Vadodra news: મનપાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ, કોર્ટમાં ફરી મતગણતરીની કરાઈ માંગ

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ હવે રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 1ની બેઠક પર થયેલી મતગણતરીમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અમી રાવત અને નિકુલભાઈ પટેલે અદાલતના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે વડોદરાના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી પુનઃમતગણતરીની માંગ કરવામાં આવી છે.
શું છે પિટિશનમાં મુખ્ય આક્ષેપો?
અરજદારો તરફે એડવોકેટ જગદેવ પરમાર અને આકિબ રાઠોડે GPMC એક્ટ, 1949 ની કલમ-17 હેઠળ રજૂઆત કરી છે કે, 28મી એપ્રિલ 2026ના રોજ મતગણતરી દરમિયાન ચૂંટણી અધિકારીએ તૈયાર કરેલા આખરી પરિણામ પત્રકમાં નિયમોનું ઉલ્લંઘન કરી ગેરરીતિ આચરી છે.
અરજદારોનો દાવો છે કે, પ્રથમ પત્રકમાં ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાને વિજેતા દર્શાવવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ સત્તાધારી પક્ષના દબાણ હેઠળ નવી શીટ તૈયાર કરી અપક્ષ ઉમેદવાર હરીશભાઈ પટેલને માત્ર 31 મતોના નજીવા તફાવતથી વિજેતા જાહેર કરી દેવાયા હતા. અરજીમાં આક્ષેપ કરાયો છે કે અગાઉ તૈયાર થયેલી આખરી શીટમાં ચેડાં કરી નવી શીટ બનાવવી એ સંપૂર્ણપણે ગેરકાયદે છે.
અરજદારોની અદાલત પાસે માંગણી
અરજદારોએ કોર્ટ સમક્ષ મુખ્ય બે દાદ માંગી છે. વોર્ડ નંબર 1 ની તમામ મતોની ગણતરી ફરીથી કરવામાં આવે. અરજદારોને વિશ્વાસ છે કે યોગ્ય ગણતરી થશે તો 31 મતોનો તફાવત દૂર થશે અને પુષ્પાબેન વાઘેલા તથા અમી રાવત વિજેતા જાહેર થશે. જો ચૂંટણી અધિકારી અને સત્તાધારી પક્ષ વચ્ચેના મેળાપીપણામાં આચરેલી ગેરરીતિ સાબિત થાય, તો આ વોર્ડના પરિણામને સંપૂર્ણપણે રદ ઠેરવવામાં આવે.

