Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara/ Video of 'Gundaraj' brutally beating a student with a belt goes viral in MS University

Vadodara/ MS યુનિવર્સિટીમાં 'ગુંડારાજ', વિદ્યાર્થીને પટ્ટા વડે બેફામ માર મારતો Video વાયરલ

Timeછેલ્લું અપડેટ : 13 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાની શાન ગણાતી એમ.એસ. યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં કેન્ટીન પાસે ધોળેદહાડે ગુંડાગીરીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એક વિદ્યાર્થીને પટ્ટા વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

App Store

નજીવી બાબતે સર્જાયો વિવાદ

મળતી માહિતી મુજબ, આર્ટસ ફેકલ્ટીની કેન્ટીનમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો કે એક વિદ્યાર્થીએ ઉશ્કેરાઈને બીજા વિદ્યાર્થીને જાહેરમાં ગંદી ગાળો આપી હતી અને પોતાની કમરનો પટ્ટો કાઢીને તેને બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, જે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો તે યુનિવર્સિટીની બહારનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સિક્યુરિટી મૂકપ્રેક્ષક બની રહી

આ હિંસક ઘટના સમયે યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ્સ ત્યાં હાજર હતા, પરંતુ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ કોઈપણ દરમિયાનગીરી કર્યા વગર ચૂપચાપ તમાશો જોઈ રહ્યા હતા. સિક્યુરિટીની આ નિષ્ક્રિયતાને કારણે ફેકલ્ટીમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

યુનિવર્સિટી સત્તાધીશો એક્શનમાં

મારામારીનો આ કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ યુનિવર્સિટીના સત્તાધીશો સુધી પહોંચ્યો છે. યુનિવર્સિટી તંત્ર હવે આ મામલે તપાસ કરી રહ્યું છે અને દોષિત વિદ્યાર્થી સામે કેવા પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું. આ ઘટનાએ યુનિવર્સિટીમાં બહારના તત્વોના પ્રવેશ અને વિદ્યાર્થીઓની સલામતી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

(નોંધ: વાયરલ વીડિયોની  GSTV દ્વારા પુષ્ટિ કરવામાં આવતી નથી અને તે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થયેલ છે.)