Vadodaraમાં 15 વર્ષ બાદ આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે , ટ્રાફિક-સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત
વડોદરામાં આજે ક્રિકેટનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ડે-નાઈટ વનડે મેચ આજે વડોદરાના નવનિર્મિત કોટંબી (BCA) સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. વડોદરામાં 15 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ રહી હોવાથી વહેલી સવારથી જ શહેરના રસ્તાઓ પર ક્રિકેટ ચાહકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમના પ્રવેશદ્વાર પર ખેલપ્રેમીઓ ઉમટી પડ્યા છે.વડોદરા અને આસપાસના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના મનપસંદ ખેલાડીઓને જોવા માટે પહોંચ્યા છે.
ટિકિટો ગણતરીની સેકન્ડોમાં સોલ્ડ આઉટ
વિરાટ કોહલી અને રોહિત શર્માને વડોદરાના મેદાન પર રમતા જોવા માટે પ્રેક્ષકો એટલા આતુર હતા કે ઓનલાઇન ટિકિટ વેચાણ શરૂ થતાની સાથે જ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. 30 હજારની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ આજે ખીચોખીચ ભરાયેલું રહેશે. વહેલી સવારથી જ ચાહકો વિરાટ અને રોહિતના ટી-શર્ટ તથા ટોપી પહેરી સ્ટેડિયમ તરફ ઉમટી પડ્યા હતા. તો બીજી બાજુ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ડે-નાઈટ વનડે મેચમાં ટિકિટો મેળવવા માટે ક્રિકેટપ્રેમીઓમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ તકનો લાભ ઉઠાવી ટિકિટોનું બમણા ભાવે વેચાણ કરતા કાળાબજારિયાઓ સામે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સફળ કાર્યવાહી કરી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે કાળા બજારમાં ટિકિટોનું વેચાણ કરતા કેતન પટેલ અને હિતેશ જૉશીને ટિકિટો બમણા કરતા વધુ ભાવે બ્લેકમાં વેંચતા ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી મેચ જોવાની કુલ 17 ટિકિટો મળી આવી છે.
રૂટ ડાયવર્ઝન અને ટ્રાફિક વ્યવસ્થા
સ્ટેડિયમ હાલોલ-વડોદરા હાઈવે પર હોવાથી ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા તરફ આવતા ભારે વાહનો પર મેચ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે. વાહનચાલકોએ જરોદ રેફરલ ચોકડીથી રાહકુઈ, રસુલાબાદ, રવાલ અને જેસંગપુરા પાટિયા થઈ આજવા ચોકડી તરફના માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત ટ્રાફિક, પાર્કિંગ અને એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરાયો છે.
કોટંબી સ્ટેડિયમનો ઐતિહાસિક દિવસ
અગાઉ આ સ્ટેડિયમમાં માસ્ટર લીગ અને ડબલ્યુપીએલ (WPL)ની મેચો સફળતાપૂર્વક રમાઈ હતી, જેના પરિણામે વડોદરાને હવે WPLની સેમિફાઈનલ અને ફાઈનલ સહિત 11 મેચોની યજમાની મળી છે. જો કે, આંતરરાષ્ટ્રીય મેન્સ ક્રિકેટ માટે આ સ્ટેડિયમનું આ 'ડેબ્યુ' છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ સાતમી જાન્યુઆરીથી વડોદરામાં હાજર છે. ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વનડે અને પાંચ ટી20 મેચની સિરીઝ રમવા માટે ભારત આવી છે. ટી20 વર્લ્ડ કપ પૂર્વે આ વનડે સિરીઝ બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

