VADODARA NEWS: 'સરદારધામ-3'ના લોકાર્પણ પ્રસંગે PM મોદીનું સંબોધન, જનતાને ફરી રાષ્ટ્રજોગ સંકલ્પો યાદ કરાવ્યા

વડાપ્રધાન ગઇકાલે રવિવાર રાતથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ગત મોડી રાત્રે PM મોદીએ જામનગરમાં બંગાળ જીતની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે બાદ જામનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરી PM મોદીએ આજે સોમવારે સવારે સોમનાથમાં ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લીધો હતો. સાંજે તેઓ સંસ્કારી નગરી વડોદરા પહોંચ્યા. જ્યાં સરદારધામ-3ના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીને 'સરદાર ગૌરવ રત્ન' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ ફરી રાષ્ટ્રજોગ સંકલ્પો યાદ કરાવ્યા
હૈદરાબાદ બાદ આજે વડોદરામાં વડાપ્રધાન મોદીએ ફરી કહ્યું કે, જ્યાં સુધી સામાન્ય સ્થિતિ ન થાય ત્યાં સુધી સોનાની ખરીદી ટાળો, પેટ્રોલ, ડીઝલ, ગેસ જરૂરિયાત પ્રમાણે વાપરો, ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કરો, ઓફિસમાં વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા ગોઠવો, વિદેશમાં લગ્ન કરવા તેમજ ફરવા જવાનું ટાળો, ભારતમાં પ્રવાસને મહત્વ આપો, વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરો, શાળાઓ પણ ઓનલાઈન ક્લાસીસને મહત્વ આપો. આ નાના નાના પ્રયાસ જો 140 કરોડ લોકો એક સાથે અનુસરે તો રાષ્ટ્રની તાકાત વધશે. જેનાથી આવેલું સંકટ ભારતની પ્રગતિ અને વિકાસને અવરોધે નહીં.
ગુજરાતમાં રાજનૈતિક સ્થિરતાને મહત્વ: PM
PM મોદીએ વડોદરામાં જનતાને સંબોધતા કહ્યું કે, 'બંગાળ, આસામ અને પુડુચેરીના પરિણામથી દેશ ખુશ, ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં પણ શાનદાર પરિણામ આવ્યું, જેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. ગુજરાતની જનતાએ હંમેશા રાજનૈતિક સ્થિરતાને મહત્વ આપ્યું, આ લોકોની દૂરદર્શિતા છે, જ્યાં રાજનૈતિક સ્થિરતા ત્યાં અર્થ વ્યવસ્થાને ગતિ, ગુજરાતે આ વાત પહેલાથી સમજી લીધી છે, જેનું પરિણામ વિકાસના નામે મળી રહ્યું છે'
આ દિવસ પુણ્ય પર્વથી ઓછો નથી: PM
વડોદરામાં પોતાના સંબોધનમાં PM મોદીએ કહ્યું કે, 'તમારા કાર્યક્રમનો હિસ્સો મને સુખદ લાગે છે અને લાગે છે કે ઘરમાં આવ્યો છું. કારણ કે તમારી વચ્ચે આવીને સમાજની શક્તિનો અહેસાસ થાય છે. જ્યારે ક્યાંય વાસ્તવિક બદલાવ થાય છે તે સમાજની સામુહિક તાકાતથી જ થાય છે. વડોદરામાં સરદાર ધામ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થઈ રહ્યો છે આજનો આ દિવસ પુણ્ય પર્વથી ઓછો નથી'
'સરદારધામ-3'ની ખાસિયતો
વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા ભવ્ય નિર્માણ
4.75 લાખ સ્ક્વેર ફૂટની જગ્યા, આશરે 150 કરોડનો ખર્ચ
2000 દીકરા-દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ
દીકરીઓ માટે માત્ર 1 રૂપિયો ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી
PM મોદી આજે રાત્રે રોડ શો પૂર્ણ થયા બાદ વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

