Vadodara: BLOની કામગીરીથી શિક્ષકોમાં રોષ, વિદ્યાર્થીઓ શિક્ષકો વગર જ અભ્યાસ કરવા મજબૂર બન્યા
ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર યાદી સુધારણા (SIR) અભિયાનની કામગીરીમાં સરકારી શાળાના શિક્ષકોને જોડવામાં આવતા શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. શિક્ષકોને BLOની વધારાની જવાબદારી સોંપાતા, વડોદરા શહેર અને જિલ્લાના શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
શહેરના વારાશિયા રિંગ રોડ પર આવેલી કવિ દુલા કાગ શાળાના શિક્ષકોને પણ આ કામગીરીમાં જોડવામાં આવ્યા છે. શિક્ષકોએ મીડિયા સમક્ષ આવીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. શિક્ષિકા સુરેખાબેન રાઠવાએ દુઃખ સાથે જણાવ્યું હતું કે,
અમને BLO ની કામગીરી સોંપાઈ છે, જેને લઈને બાળકોના ભણતર પર સીધી અસરો પડી રહી છે. અમે BLO ની કામગીરીમાં હોવાથી સ્કૂલમાં ભણાવી શકતા નથી.
શાળાના પ્રિન્સિપાલ જીગરભાઈ ઠક્કરે આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડોદરા શહેર અને જિલ્લાના અંદાજિત 2700 જેટલા શિક્ષકો SIR ની કામગીરીમાં જોડાયા છે. જેને લઈને એક લાખ જેટલા વિદ્યાર્થીઓના ભણતર સામે સવાલો ઊભા થયા છે.
હાલ BLO શિક્ષકો SIR ની કામગીરીમાં વ્યસ્ત હોવાથી વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં શિક્ષક વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ સ્કૂલના ટીચર ભણાવશે તેવી આશા સાથે આવે છે, પણ ભણાવનાર ટીચર નથી, જેના કારણે ક્લાસરૂમો શિક્ષકોની રાહ જોઈ રહ્યા છે.

