Vadodara/ માંજલપુરમાં સામાન્ય વાતમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો, વાહનો સામસામે આવી જતાં મામલો બિચક્યો
સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં પથ્થરમારાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. માંજલપુરના અલવાનાકા પાસે વાહનો સામસામે આવી જવા જેવી સામાન્ય બાબતે બે વાહનચાલકો વચ્ચે તકરાર થઈ હતી, જે જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી બે જૂથો વચ્ચેના પથ્થરમારામાં ફેરવાઈ ગઈ હતી.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, માંજલપુર અલવાનાકા વિસ્તારમાં બે વાહનચાલકો સામસામે આવી ગયા હતા. રસ્તો આપવા જેવી નજીવી બાબતે બંને ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન એક વાહનચાલકે પોતાના સાથીદારોને ફોન કરીને બોલાવી લેતા મામલો ગરમાયો હતો. જોતજોતામાં નજીકની સોસાયટીના બે જૂથો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
પોલીસે સ્થિતિ થાળે પાડી
ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પથ્થરમારાની જાણ થતા જ માંજલપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો અને બંને પક્ષોને વિખેર્યા હતા. સદનસીબે આ પથ્થરમારાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી.
સ્થાનિકોમાં ફફડાટ
સ્થાનિક રહીશ હરીશભાઈના જણાવ્યા અનુસાર, અચાનક થયેલા પથ્થરમારાને કારણે રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. હાલ પોલીસ ઘટનાસ્થળે તૈનાત છે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછના આધારે તપાસ તેજ કરી છે.

