રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની વડોદરા-પાદરા મુલાકાતને લઈને તંત્ર સજ્જ, MS યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રહેશે ઉપસ્થિત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 સપ્ટેમ્બરે વડોદરા અને પાદરાની મુલાકાતે આવનાર હોવાથી જિલ્લા અને શહેરનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રપતિ સવારે 11:40 કલાકે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 75મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પરિસરમાં તૈયારીઓ તેજ કરવામાં આવી છે. સાથે જ વડોદરા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી રહી છે.
કલેકટરે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
ત્યારબાદ રાષ્ટ્રપતિ બપોરે 3:45 કલાકે પાદરામાં બ્રહ્મકુમારીના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ તાજપુરા રોડ પર યોજાનાર હોવાથી જિલ્લા તંત્ર દ્વારા સ્થળની તૈયારીઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી છે. કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓએ કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. પ્રાંત અધિકારી ઐશ્વર્યા દૂબેએ પણ સ્થળની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન કોઈ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે વહીવટી તંત્ર, પોલીસ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવામાં આવ્યું છે. સુરક્ષા, ટ્રાફિક, કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા સહિતની તૈયારીઓને વધુ સુદૃઢ બનાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિની મુલાકાત સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ સ્તરે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

