વડોદરામાં 8 સપ્ટેમ્બરે PM મોદીનો કાર્યક્રમ, તંત્રએ સ્થળની તૈયારીઓનું કર્યું નિરીક્ષણ

વડોદરા શહેરમાં આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ખાતે આવેલા પેવેલિયન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના આગમનને પગલે શહેર અને જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
પોલીસ-વહીવટી તંત્રએ કર્યું કામગીરીનું નિરીક્ષણ
કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે શહેર ભાજપ અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ યુનિવર્સિટીના પેવેલિયનની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા, સુરક્ષા સહિતની વિવિધ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે લોકોને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન વગર કોઈપણ વ્યક્તિને કાર્યક્રમ સ્થળે પ્રવેશ આપવામાં નહીં આવે. કાર્યક્રમમાં 10 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહી શકે તે પ્રમાણે બેઠક અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
આ ઉપરાંત વડોદરા શહેર અને જિલ્લામાં લોકો કાર્યક્રમને જોઈ શકે તે માટે વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જરૂરી આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

