VIDEO: નવનિર્મિત ગંભીરા બ્રિજ આ મહિનાના અંત સુધીમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે: માત્ર એક જ વર્ષમાં પૂર્ણ થયું કરોડોનું નિર્માણ કાર્ય
વડોદરાના પાદરા અને આણંદને જોડતા મહત્વપૂર્ણ ગંભીરા બ્રિજનું નવનિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. આગામી મહિનાના અંત સુધીમાં આ બ્રિજને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેનાથી બંને જિલ્લા વચ્ચેનો વાહનવ્યવહાર અત્યંત સરળ બનશે અને હજારો નોકરીયાતો તથા રાહદારીઓનો કલાકોનો સમય બચી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 9 જુલાઈએ જૂના બ્રિજનો એક ભાગ તૂટી પડવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 20 લોકોના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટના બાદ રોડ એન્ડ બિલ્ડિંગ (R&B) વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે નવા બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજે 200 કરોડ રૂપિયાના ખર્ચે અને લગભગ 1 કિલોમીટર લાંબા આ નવા બ્રિજના નિર્માણ માટે 250થી વધુ કામદારો અને એન્જિનિયરોની ટીમે દિવસ-રાત મહેનત કરી માત્ર એક જ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. હાલ બ્રિજને આખરી ઓપ આપીને તેની મજબૂતી ચકાસવા માટે ભારે વાહનો પસાર કરી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. નદીના લેવલથી આશરે 50 ફૂટ ઊંચાઈ ધરાવતા આ બ્રિજ પર રાહદારીઓ અને ધાર્મિક સ્થાને જતા લોકો માટે ખાસ ફૂટપાથની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે સૌની નજર આ નવા બ્રિજના લોકાર્પણ અને તેના સત્તાવાર પ્રારંભ પર છે.

