VIDEO: ઈઝરાયેલ મોકલવાના નામે 100થી વધુ લોકો સાથે છેતરપિંડી
વડોદરાના ઇન્ડિયાબુલ્સ મોલમાં આવેલી અક્ષરમ ઇમિગ્રેશન એન્ડ ટુર્સ નામની સંસ્થા દ્વારા ઇઝરાયેલમાં નોકરી અપાવવાના નામે 100થી 150 યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. મિલિન બારોટ સંચાલિત આ ઓફિસ સામે વિરોધ નોંધાવવા મોટી સંખ્યામાં ભોગ બનનાર યુવાનો એકઠા થયા હતા. પીડિતોના જણાવ્યા મુજબ, બોગસ ઇન્ટરવ્યુ ગોઠવી ઓફર લેટર આપી પ્રતિ વ્યક્તિ આશરે 5 લાખ સુધીની રકમ વસૂલવામાં આવી હતી, જેમાં 50 હજારની રસીદ અને બાકીની રકમ રોકડ તેમજ વિનુભાઈ પરમારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવાઈ હતી. ઇઝરાયેલની ગેબ્રિલ કંપનીનો ઈમેઈલ સંપર્ક અને સંચાલકોના ફોન બંધ થઈ જતા છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. નોકરીની આશાએ લોન અને વ્યાજે નાણાં લાવેલા યુવાનોમાં ભારે રોષ ફેલાયો છે. પીડિતો પાસે તમામ નાણાકીય વ્યવહારોનું રજિસ્ટર ઉપલબ્ધ છે. સંસ્થાના સંચાલકો અચાનક ઓફિસ બંધ કરીને ગાયબ થઈ જતાં યુવાનો ન્યાયની માંગ કરી રહ્યા છે.

