VIDEO: Vadodara / એસિડ વેસ્ટ વોટરના નિકાલનું મોટું કૌભાંડ ઝડપાયું; પોલીસે આણંદથી આવેલું ટેન્કર કબજે કર્યું
વડોદરા શહેરની સીમમાં આવેલા નંદેસરી GIDC વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત એસિડિક વેસ્ટ વોટરના નિકાલ કરવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા કેમિકલ માફિયાઓ ફરી એકવાર સક્રિય થતા સ્થાનિક પોલીસ અને જીપીસીબી (GPCB) ની ટીમ દોડતી થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, નંદેસરી GIDCની ગુજરાત ચોકડી પાસે આવેલી એક ખુલ્લી જગ્યામાં અત્યંત જોખમી કેમિકલ વેસ્ટથી ભરેલું ટેન્કર ખાલી કરવામાં આવી રહ્યું હતું. કેમિકલ માફિયાઓએ આ જગ્યાએ પાઇપ લાઈન ગોઠવીને એસિડિક વોટરને સીધું ગટરમાં છોડવાની વ્યવસ્થા કરી હતી. જોકે, આ ગેરકાયદે પ્રવૃત્તિની જાણ થતા નંદેસરી પોલીસ અને GPCBની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેરી વેસ્ટ ભરેલું ટેન્કર આણંદ જિલ્લાની સોજીત્રા GIDC થી આવ્યું હતું. હજારો લિટર એસિડિક વેસ્ટ વોટરના જથ્થા સાથેનું આ ટેન્કર પોલીસે કબ્જે કર્યું છે. આ એસિડિક વેસ્ટ વોટર કોના ઇશારે વડોદરા લાવીને નિકાલ કરવામાં આવતું હતું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

