વડોદરામાં જમીન કૌભાંડ: NRI મહિલાની ભાયલીની જમીન બોગસ સહી કરીને અન્યના નામે કરી દેવાતા બિલ્ડરે નોંધાવી ફરિયાદ

વડોદરાના વાસણા-ભાયલી રોડ નીલમબર પામમાં રહેતા બિલ્ડર ભુપેન્દ્રભાઈએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ચેતનાબેન અશ્વિનભાઈ પટેલે ભાયલી ગામમાં આવેલી જમીનની વહીવટી કામગીરી તેમજ રેવન્યુ ડિપાર્ટમેન્ટની સરકારી કચેરીઓમાં સ્ટેટમેન્ટ તેમજ કાર્યવાહી કરવા માટે મને પાવર આપેલા છે.
આજ જમીનનો પાવર આપનાર ચેતનાબેન અશ્વિનભાઈ પટેલ તેમજ અન્ય સહમાલીકોની સંયુક્ત માલિકી અને કબજો છે. ચેતનાબેન વિદેશમાં રહે છે અને તેમના પતિ અવારનવાર વડોદરા આવી જમીનની દેખરેખ રાખતા હતા. થોડા સમય પહેલા ચેતનાબેન અને તેમના ભત્રીજા બ્રિજેશ થકી જાણવા મળ્યું હતું કે તેમની જમીનમાં આરોપી મનીશ સુરેન્દ્રલાલ દીક્ષિત (રહે-આશીર્વાદ ડુપ્લેક્સ, દિવાળીપુરા વડોદરા) દ્વારા રજીસ્ટર દસ્તાવેજ ચેતનાબેનના પતિ અશ્વિનભાઈની સહીથી કરેલો છે.
સરકારી કચેરીમાં કાગલો મંગાવી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અશ્વિનભાઈએ તેમના જમીનના વિવાદ માટે આરોપીને કન્સલ્ટન્સ તરીકે રાખ્યા હતા. અશ્વિનભાઈ માર્ચ 2020 થી અમેરિકા જતા રહ્યા હતા અને ત્યારબાદ 2023 ના સાલમાં પરત આવ્યા હતા. આરોપીએ અશ્વિનભાઈના નામની સહી વાળી તારીખ 9-4-2020 ની રિસિપ્ટ બનાવી હતી. જેના આધારે 1100 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ ખોટી રીતે કરી લીધો હતો. તેમજ દસ્તાવેજમાં જે ચેક દર્શાવવામાં આવ્યો છે તે ચેકની રકમ પણ ચૂકવવામાં આવી નથી.

