Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Internal factionalism in BJP at its peak; leaders clashed during election campaign

VIDEO: Vadodara / ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ; ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ બાખડ્યા,મામલો પોલીસ મથકે પહોંચ્યો

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વડોદરાના વોર્ડ નંબર 5માં ભાજપના પ્રચાર દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. કિશનવાડી વિસ્તારમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવારો અને અગ્રણીઓને સ્થાનિકોના ઉગ્ર આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ભાજપના જ બે જૂથો વચ્ચે વાત વણસી હતી અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.

App Store

પાલિકા સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલની આગેવાનીમાં વોર્ડ નંબર 5ના ઉમેદવારોની ફેરણી કિશનવાડી વિસ્તારમાં પહોંચી હતી. ઉમેદવારો ગળામાં હાર પહેરીને મતદારોને રીઝવવા નીકળ્યા હતા, પરંતુ ત્યાં જ ભાજપના જ અગ્રણી રમણભાઈ પેન્ટરના પુત્ર હિતેશે ડો. હિતેન્દ્ર પટેલને રોકી લીધા હતા. હિતેશે વિસ્તારમાં કચરાના ડમ્પિંગ યાર્ડ સહિતના વણઉકેલ્યા પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત શરૂ કરી હતી.

સ્થાનિક રહીશો જ્યારે પાયાની સુવિધાઓ મુદ્દે ઉમેદવારોને સવાલ કરી રહ્યા હતા, ત્યારે ઉમેદવારોના ટેકેદારો અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને ભાજપ SC મોરચાના પ્રમુખ યોગેશ પરમાર તથા હિતેશ પેન્ટર વચ્ચે ઉગ્ર દલીલો બાદ ધક્કામુક્કી થઈ હતી. ભાજપના જ કાર્યકરો અને અગ્રણીઓ વચ્ચે થયેલી આ 'નવાજૂની' જોઈને ઉમેદવારો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

ઝઘડો વધતા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. સ્થિતિ વધુ બગડે તે પહેલા ભાજપના વરિષ્ઠ અગ્રણીઓએ મધ્યસ્થી કરી મામલો શાંત પાડ્યો હતો અને ઉમેદવારો સાથે ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે, આ વિવાદ અહીં શમ્યો નહોતો અને મોડી રાત્રે આ સમગ્ર મામલો બાપોદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષોએ પોતાની રજૂઆત કરી હતી. ચૂંટણી ટાણે જ પક્ષના આંતરિક વિખવાદ અને જનતાના વિરોધને કારણે વોર્ડ નંબર 5માં ભાજપની મુશ્કેલીઓ વધી હોય તેવું લાગી રહ્યું છે.