VIDEO : Vadodara માં અલકાપુરીની ‘એવરેસ્ટ ઓનિક્સ’ના સ્પા સેન્ટરમાં આગ, લિફ્ટમાં ફસાયેલા 3 લોકોનું દિલધડક રેસ્ક્યુ
સંસ્કારી નગરી વડોદરાના પોશ ગણાતા અલકાપુરી વિસ્તારમાં આવેલી ‘એવરેસ્ટ ઓનિક્સ’ બિલ્ડિંગમાં આજે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા એક સ્પા સેન્ટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને પગલે વીજ પુરવઠો ખોરવાતા ૩ લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા, જેમને વડીવાડી ફાયર સ્ટેશનની ટીમે ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્પાનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગે લોકોને ખાસ અપીલ કરી છે કે આગ કે ભૂકંપ જેવી કટોકટી સમયે ક્યારેય લિફ્ટનો ઉપયોગ ન કરવો. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ જાણી શકાયું નથી, જેના માટે એફએસએલની મદદ લેવામાં આવી શકે છે. આ ઘટનાએ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના મુદ્દે ફરી ચર્ચા જગાવી છે.

