VIDEO: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી સુરત-મુંબઈ વચ્ચે ટ્રેનો થંભી, વડોદરા સ્ટેશને હજારો મુસાફરો અટવાયા
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાતાં પશ્ચિમ રેલવેની સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. સુરત અને મુંબઈ વચ્ચે ટ્રેન વ્યવહાર અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવતાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા છે. આ પરિસ્થિતિના કારણે વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હેલ્પ ડેસ્ક પર પૂછપરછનો ધસારો, ટ્રેનો ક્યારે શરૂ થશે તે અનિશ્ચિત
ટ્રેનો રદ થવા અને કલાકો સુધી વિલંબિત થવાના કારણે વડોદરા રેલવે સ્ટેશન પર ભારે ભીડ જામી છે. સ્ટેશન પર લગાવવામાં આવેલા ડિસ્પ્લે બોર્ડમાં સુરત અને મુંબઈ વચ્ચેની તમામ ટ્રેનો અનિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવી હોવાની સૂચના દર્શાવવામાં આવી છે. યોગ્ય અને સ્પષ્ટ માહિતીના અભાવે હેલ્પ ડેસ્ક પર માહિતી મેળવવા માટે મુસાફરોની લાંબી લાઇનો લાગી છે.
પ્લેટફોર્મ પર મુસાફરોની હાલાકી
ટ્રેનો અટકી જતાં વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો સાથે પ્રવાસ કરતાં લોકો સામાન સાથે પ્લેટફોર્મ પર બેસી રહેવા મજબૂર બન્યા છે. મુંબઈ જવા નીકળેલા મુસાફરોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, 'અમે દોઢથી બે કલાકથી વધુ સમયથી સ્ટેશન પર સામાન સાથે રાહ જોઈ રહ્યા છીએ. સવારે 9 વાગ્યાની ટ્રેનના 11 વાગ્યા છતાં કોઈ પત્તો નથી અને તંત્ર દ્વારા પણ કોઈ સંતોષકારક માહિતી આપવામાં આવતી નથી.'
7 કલાક બાદ વડોદરા પહોંચેલી મહિલા મુસાફર
મુંબઈ તરફ જઈ રહેલી એક મહિલા મુસાફરે જણાવ્યું કે, 'અમારી ટ્રેન બાજવા સ્ટેશન પર જ કલાકો સુધી રોકાઈ ગઈ હતી. સાત કલાકના વિલંબ બાદ અમે માંડ વડોદરા પહોંચ્યા છીએ, પણ અહીંથી આગળ સુરત તરફ જતી કોઈ ટ્રેન જ નથી.'
રિફંડ મુદ્દે મુસાફરોમાં મૂંઝવણ
ટ્રેનો અનિશ્ચિત સમય માટે અટકાવાતાં અનેક મુસાફરો બસ કે અન્ય ખાનગી વાહનો મારફતે પ્રવાસ કરવા ઇચ્છે છે, પરંતુ ટિકિટના રિફંડ મુદ્દે તેઓ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. રેલવે સત્તાધીશોનું કહેવું છે કે જ્યાં સુધી ટ્રેન સત્તાવાર રીતે રદ જાહેર કરવામાં ન આવે, ત્યાં સુધી નિયમ મુજબ રિફંડ આપી શકાય નહીં. આ નિર્ણયને કારણે રોષે ભરાયેલા મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

