Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Sky Disaster in South Gujarat; Surat, Valsad and Navsari inundated

VIDEO: દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત; સુરત, વલસાડ અને નવસારી જળમગ્ન

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન બન્યા છે. વાપીના પોશ ગણાતા વિસ્તારો જેવા કે અવધ ટુંકવાડા, પટેલવાડી અને ગુંજન વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે.

App Store

4 કલાકમાં મેઘરાજાની ધડબડાટી, બે જિલ્લામાં ધોધમાર વરસાદ 

હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર સવારના છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં વલસાડના ઉમરગામમાં 8.7 ઈંચ તથા સુરતના ઉમરપાડામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. રોડ-રસ્તા નદી-બેટ જેવા બની ગયા છે. લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર થયા છે. અનેક લોકોના ઘરો તો આખા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. 

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને પ્રાધાન્ય આપતા જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોને તા. 23 જુલાઈના રોજ સમગ્ર દિવસ માટે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

સુરત-વલસાડમાં મેઘતાંડવ, સવારના બે કલાકમાં જ 5 થી 7 ઈંચ જેટલો વરસાદ

હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન જ વલસાડના ઉમરગામમાં ફરી 7.20 ઈંચ વરસાદ તો સુરતના ઉમરપાડામાં 5.12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં તમામ રોડ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે નવસારીના ખેરગામમાં અઢી ઈંચ અને ભરુતમાં 2.28 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. માત્ર બે કલાકના ગાળામાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 108 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો.

વાપીમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

વાપીના પટેલવાડી વિસ્તારમાં સોસાયટીઓ અને રસ્તા પર પાર્ક કરેલી અનેક કાર પાણીમાં અડધીથી વધુ ડૂબી જતાં વાહનમાલિકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજ્યના 213 તાલુકામાં મેઘમહેર, ઉમરગામમાં સૌથી વધુ વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 61 તાલુકામાં 1 ઇંચથી વધુ, 44 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 26 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.જેમાં ઉમરગામમાં 35.67 ઇંચ, કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ વરસાદ નોંધાયો છે.

નવસારીમાં પૂર્ણા, અંબિકા અને કાવેરીમાં ઘોડાપૂર

નવસારી જિલ્લામાં અને ઉપરવાસના સુરત, તાપી તથા ડાંગમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. નવસારી શહેર અને બીલીમોરા સહિતના વિસ્તારોમાં 1 લાખથી વધુ લોકો પૂરથી સીધી રીતે પ્રભાવિત થયા છે. પૂર્ણા નદીનું જળસ્તર 22 ફૂટ સુધી પહોંચ્યું છે, જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે. અંબિકા નદી 29 ફૂટની ભયજનક સપાટીને અડી ગઈ છે, જ્યારે કાવેરી નદી 22 ફૂટે વહેતી હોવાથી તે ભયજનક સપાટી 19 ફૂટથી ઉપર વહી રહી છે. નદીઓના વધતા જળસ્તરને પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

મધરાત્રે NDRFનું સફળ રેસ્ક્યુ ઓપરેશન

દાદરા અને નગર હવેલીના ખાનવેલ ક્ષેત્ર હેઠળ આવતા તલાવલી ગામે પૂરના પાણી ભરાતાં ચાર નાગરિકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ 06 બટાલિયન NDRFની ટીમે મધરાત્રે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે તમામ ચારેય વ્યક્તિઓને પૂરના પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢીને જિલ્લા વહીવટી તંત્રને સોંપ્યા હતા.