VIDEO: MS યુનિવર્સિટીના મેદાનનો PM મોદીના કાર્યક્રમ માટે ઉપયોગ કરાતા વિવાદ, સેનેટ સભ્યએ વિરોધ કરતા કહ્યું- 'Gen-Z આંદોલનના એંધાણ'
વડોદરાની MS યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે. પેવેલિયન રમતના મેદાન તરીકે ઉપયોગમાં લેવાતું હોવા છતાં તેને સરકારી કાર્યક્રમ માટે ફાળવવાના નિર્ણય સામે સેનેટ સભ્ય કપિલ જોષીએ વાંધો ઉઠાવ્યો છે.
કપિલ જોષીએ કુલપતિને પત્ર લખી આક્ષેપ કર્યો છે કે ભૂતકાળમાં પેવેલિયન બહારના કાર્યક્રમ માટે ફાળવાયા બાદ મેદાનમાં ખીલાઓને કારણે રમતવીરોને ઇજાઓ થઈ હતી અને લાંબા સમય સુધી પ્રેક્ટિસમાં મુશ્કેલી પડી હતી. તેમના જણાવ્યા મુજબ સિન્ડિકેટ દ્વારા રમતના મેદાનનો રમત સિવાયના કાર્યક્રમો માટે ઉપયોગ ન કરવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં PM મોદીના કાર્યક્રમ માટે પેવેલિયન ફાળવાયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ નિર્ણય તાત્કાલિક રદ કરી કાર્યક્રમ અન્ય સ્થળે યોજવાની માંગ સાથે કપિલ જોષીએ ચેતવણી આપી છે કે નિર્ણય પાછો નહીં ખેંચાય તો વિદ્યાર્થીઓ અને રમતવીરોમાં આક્રોશ સાથે આંદોલનની સ્થિતિ સર્જાઈ શકે છે.

