VIDEO: "કોંગ્રેસના કાર્યકરો દારૂ પીને બબાલ કરી રહ્યા હતા": ભાજપ પ્રમુખે મારામારીની ઘટનાને રાજકીય રંગ આપવાનો લગાવ્યો આરોપ
વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીના મામલે શહેર ભાજપ પ્રમુખ ડો જય પ્રકાશ સોની એ મીડિયા સમક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ ચૂંટણીમાં પોતાની હાર પારખી ગઈ હોવાથી અપશબ્દો બોલી વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમના કહેવા મુજબ મતદાન દરમિયાન સર્જાયેલી ઘટનાને કોંગ્રેસ રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે.
શહેર ભાજપ પ્રમુખે વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસના કેટલાક કાર્યકરો દારૂના નશામાં આવીને બબાલ કરી રહ્યા હતા. જોકે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ભાજપના કોઈપણ કાર્યકરે દારૂનું સેવન કર્યું નહોતું. તેમના જણાવ્યા મુજબ ભાજપના તમામ કાર્યકરો છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા છે અને મતદાનના દિવસે પણ માત્ર મતદારોને મતદાન માટે જાગૃત કરવા વિસ્તારમાં પહોંચ્યા હતા.
તેમણે કહ્યું કે મતદાન જાગૃતિ માટે નીકળેલા ભાજપના કાર્યકરોનો કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો, જેના કારણે બંને પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી અને ધક્કામુક્કી સર્જાઈ હતી. ભાજપ તરફથી કોઈ ઉશ્કેરણી કરવામાં આવી ન હોવાનું પણ તેમણે જણાવ્યું. શહેર ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર અનેક ગંભીર આક્ષેપો કરતા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મતદારો ભાજપના વિકાસના કામોથી પ્રભાવિત છે અને પેટા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ જનાદેશ મળશે. બીજી તરફ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

