VIDEO: વડોદરા લીટલ ફ્લાવર સ્કૂલ ખાતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી, મોટા નેતાઓની હાજરીમાં બબાલ
વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે આવેલા મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારામારી સર્જાતા ચૂંટણીના માહોલમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. ઘટનાને પગલે મતદાન કેન્દ્ર પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ-નગારા સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતા મામલો ઉગ્ર બન્યો અને બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
મારામારીની ઘટનાને લઈને પોલીસે કોંગ્રેસના વોર્ડ પ્રમુખની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ કોંગ્રેસનો આક્ષેપ છે કે તેમના કાર્યકર વિજય બુંબડીયાને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. કોંગ્રેસે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ઘટના બાદ મતદાન મથક પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી અને વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી શકે. ચૂંટણી અધિકારીઓએ પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી હતી અને મતદારોને નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
ઘટનાને લઈને પોલીસ દ્વારા બંને પક્ષના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસમાં જે કોઈ દોષિત ઠરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

