VIDEO: પેટાચૂંટણીમાં તંગદિલી / વડોદરાના અલવા નાકામાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ હાય હાય ના નારા લગાવ્યા, સામે જવાબમાં "જય શ્રી રામ"ના નારા લાગ્યા
વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન અલવા નાકા વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મતદાન ચાલી રહ્યું હતું તે દરમિયાન ભાજપના કેટલાક કાર્યકરો મતદારોને મતદાન કરવા અપીલ કરવા માટે વિસ્તારમાં પહોંચ્યા હતા. જોકે તેમની હાજરીને લઈને સ્થાનિક કોંગ્રેસી કાર્યકરો તેમજ કેટલાક સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થળ પર ભાજપના કાર્યકરો સામે "હાય હાય"ના નારા લગાવવામાં આવ્યા હતા, જ્યારે ભાજપના કાર્યકરોએ તેના જવાબમાં "જય શ્રી રામ"ના નારા લગાવ્યા હતા. બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતા થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જોકે પરિસ્થિતિ વધુ ઉગ્ર બને તે પહેલાં જ ભાજપના કાર્યકરોએ સ્થાનિક લોકોનો રોષ પારખીને ત્યાંથી રવાના થવાનું પસંદ કર્યું હતું.
ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ચકચાર મચી હતી, પરંતુ સુરક્ષા દળો અને પોલીસ સતર્ક રહેતાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની નહોતી. બાદમાં મતદાન પ્રક્રિયા યથાવત ચાલુ રહી હતી. સમગ્ર ઘટનાએ પેટા ચૂંટણી દરમિયાન રાજકીય માહોલ વધુ ગરમાયો હોવાનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું, જ્યારે તંત્ર દ્વારા મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સતત નજર રાખવામાં આવી રહી હતી.

