Vadodaraમાં હચમચાવતી ઘટના, વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે યુવકની નિર્મમ હત્યા

વડોદરામાં ઉત્તરાયણ પર્વની ખુશીઓ વચ્ચે મકરપુરા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. મકરપુરાના જશોદાનગરમાં વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં યુવકની હત્યા કરી નાખી છે.
મળતી માહિતી અનુસાર, મકરપુરાની જશોદાનગરમાં રસ્તામાં સુભાષ યાદવે પોતાની પિકઅપ વાન પાર્ક કરી હતી. રસ્તામાં નડતરરૂપ વાન બાબતે અનુપભાઈએ વિરોધ કર્યો હતો અને ઝઘડો વધતા તેમણે ગાડીની ચાવી લઈ લીધી હતી. પોતાની ગાડીની ચાવી લઈ લેવાતા ઉશ્કેરાયેલા સુભાષ યાદવે તુરંત જ તેના ભાઈ મનુ યાદવ અને ભત્રીજા રાહુલ યાદવને બોલાવી લીધા હતા. આ ત્રણેય હુમલાખોરોએ ભેગા મળીને અનુપ પટેલ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ આવેશમાં આવીને અનુપભાઈને ગડદા-પાટુનો બેરહેમ માર માર્યો હતો. આટલેથી ન અટકતા, આરોપીઓએ અનુપભાઈને પકડીને તેમનું માથું ઘરની લોખંડની ગ્રીલ સાથે જોરથી અફાળ્યું હતું. માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે અનુપભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના પરિવારની નજર સામે જ બની હતી. ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેય મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

