રણોલી નજીક મીની નદીનો 50 વર્ષ જૂનો બ્રિજ નવેમ્બરથી બંધ; કાયમી ઉકેલ ન આવતાં વાહનચાલકો અને સ્થાનિકો હેરાન-પરેશાન

વર્ષ 2025ના જુલાઈ મહિનામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ બ્રિજોની મજબૂતાઈની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રણોલી નજીક મીની નદી પર આવેલો આશરે 50 વર્ષ જૂનો બ્રિજ પણ મજબૂતાઈના મુદ્દે સામે આવ્યો હતો. પરિણામે નવેમ્બર 2025માં આ બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. બ્રિજ બંધ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હવે નંદેસરી રેલવે ફાટક અથવા અનગઢના રામપુરા માર્ગે જવું પડે છે. જેના કારણે આશરે 4થી 5 કિમીનો વધારાનો ચક્કર મારવો પડે છે. પરિણામે વાહનચાલકોનો સમય અને ઇંધણ બંનેનો વ્યય થઈ રહ્યો છે. ખાસ કરીને ટ્રેનોની અવરજવરને કારણે નંદેસરી રેલવે ફાટક વારંવાર બંધ થતું હોવાથી વાહનચાલકોને લાંબો સમય રાહ જોવાની સ્થિતિ સર્જાય છે.
બીજી તરફ અનગઢ તરફનો રામપુરા માર્ગ કાચો હોવાથી ભારદારી વાહનોની અવરજવરથી ગ્રામજનોમાં અકસ્માતનો ભય ઉભો થયો છે. કંપનીઓના સંચાલકો અને કર્મચારીઓને પણ મટીરીયલની હેરાફેરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂના બ્રિજના નવીનીકરણ માટે રિલાયન્સ કંપનીની પાણીની લાઈન, ગેઈલ કંપનીની ગેસ લાઈન સહિતની અન્ય યુટિલિટી લાઈનોનું સ્થળાંતર જરૂરી હોવાનું સામે આવ્યું હતું. આ માટે લાંબા સમયથી વાટાઘાટો ચાલી હોવા છતાં કામગીરી આગળ ન વધતા જૂના બ્રિજના નવીનીકરણનું કામ અટવાઈ ગયું છે. પરિણામે છેલ્લા એક વર્ષથી લોકોને અવરજવરમાં મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.
દરમિયાન નંદેશરી એસોસિએશન દ્વારા માત્ર લાઈટ મોટર વાહનોની અવરજવર થઈ શકે તે પ્રકારનો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જોકે, આ બ્રિજની સેફટી વોલનું ધોવાણ થતાં તેના સ્ટ્રક્ચરની ગુણવત્તા અને સલામતી સામે પણ સવાલો ઊભા થયા છે. એક તરફ કાયમી બ્રિજનું નવીનીકરણ લાંબા સમયથી અટવાયેલું છે અને બીજી તરફ નવા બ્રિજની કામગીરીમાં પણ સલામતીના મુદ્દા સામે આવતા સ્થાનિકોમાં ચિંતા વધી છે.

