Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Meghtandav in Tapi; 4 inches of rain in Vyara in 4 hours, Ghodapur in Mindhola river, water entered shops

VIDEO: Tapiમાં મેઘતાંડવ; 4 કલાકમાં વ્યારામાં 4 ઈંચ વરસાદ, મીંઢોળા નદીમાં ઘોડાપુર, દુકાનોમાં પાણી ઘૂસ્યાં

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભારે તાંડવ મચાવી રહ્યા છે, જેમાં તાપી જિલ્લો જળબંબાકાર બની ગયો છે. જિલ્લાના ડોલવણ, વાલોડ અને વ્યારા તાલુકામાં મૂશળધાર વરસાદ પડતાં સમગ્ર પંથકમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. ડોલવણમાં પંદર ઈંચ જેટલો ભારે વરસાદ ઝીંકાયા બાદ વ્યારા સહિતના આસપાસના વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ક્યાંક રસ્તાઓ નદીમાં ફેરવાયા છે તો ક્યાંક નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

App Store

સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના તાજેતરના આંકડા મુજબ, આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના સમયગાળામાં જ તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં વ્યારા તાલુકામાં સૌથી વધુ 99 મીમી (આશરે 4 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય ડોલવણમાં 67 મીમી (2.64 ઈંચ), વાલોડમાં 48 મીમી (1.89 ઈંચ), સોનગઢમાં 50 મીમી (1.97 ઈંચ) અને ઉકાઈ વિસ્તારમાં 65 મીમી (2.56 ઈંચ) વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ વધુ વિકટ બની છે. ઉલ્લેખનીય છે કે બુધવાર સવારના 6 વાગ્યાથી ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં તાપીના ડોલવણમાં 14.88 ઈંચ જેટલો વરસાદ પહેલાથી જ ખાબકી ચૂક્યો હતો.

અવિરત વરસાદના કારણે વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ઘોડાપૂર આવ્યા છે. નદી બે કાંઠે વહેતાં વ્યારાથી ચીખલીને જોડતા માર્ગ પર આવેલો લો-લેવલ પૂલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. માર્ગો બંધ થતાં વાહનચાલકો તેમજ ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

સ્થિતિ એટલી ગંભીર બની છે કે વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે. આ પાણી માર્ગો પરથી ઉભરાઈને નીચાણવાળા વિસ્તારમાં આવેલી અનેક દુકાનો અને મકાનોમાં ઘૂસી ગયા છે, જેના કારણે વેપારીઓનો માલસામાન પલળી જતાં ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.