Video/Surendranagar માં ખેડૂતોને 'પડ્યા પર પાટુ' જેવી સ્થિતિ! જીરું, ઘઉં અને વરિયાળીના પાક પર પાણી ફરી વળ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની બેદરકાર તંત્રને કારણે હાલત કફોડી બની છે. અણીદ્રા માઈનોર 1 કેનાલનું સમારકામ ચાલી રહ્યું હોવા છતાં, તંત્ર દ્વારા અચાનક કેનાલમાં પાણી છોડી દેવામાં આવતાં ખેડૂતોના 15થી વધુ ખેતરો જળબંબાકાર બની ગયા છે. આ અણઘડ નિર્ણયને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જીરું, ઘઉં અને વરિયાળીના પાક પર પાણી ફરી વળ્યું
કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતોએ મહેનતથી વાવેલા રવી પાક, જીરું, વરિયાળી, ઘઉં જેવા મોંઘા પાકોના વાવેતર પર સંપૂર્ણપણે પાણી ફરી વળ્યું છે. ખેતરમાં ઉભેલા કપાસ અને એરંડા જેવા પાકોને પણ મોટા પાયે નુકસાન થયું છે.
ખેડૂતોમાં ભારે રોષ
કેનાલ રિપેરિંગનું કામ ચાલુ હતું, તેની જાણ હોવા છતાં પાણી છોડી દેવાના અધિકારીઓના નિર્ણય સામે ખેડૂતોએ સખત નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિક ખેડૂતના જણાવ્યા અનુસાર "કેનાલનું કામ ચાલતું હતું, છતાં પણ પાણી છોડી દેવામાં આવ્યું. અમારી મહેનત અને વાવેતર બધું બરબાદ થઈ ગયું છે. તંત્રની આ કેવી બેદરકારી?"
ખેડૂતોએ તંત્રની આ ગેરવહીવટી કામગીરી સામે રોષ વ્યક્ત કરીને તાત્કાલિક યોગ્ય તપાસ કરી નુકસાનનું વળતર આપવાની માંગ કરી છે.

