Video/ Surendranagarનું બસ સ્ટેન્ડ તસ્કરો માટે 'સેફ ઝોન'! CCTVના અભાવે ચોરીના બનાવો વધ્યા
સુરેન્દ્રનગર શહેરના કરોડોના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડમાં CCTV કેમેરાના અભાવને કારણે મુસાફરોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા 'એરપોર્ટ જેવા બસ સ્ટેન્ડ' બનાવવામાં આવ્યા હોવાના દાવાઓ વચ્ચે અહીંથી રોજેરોજ મુસાફરોના સામાન, રોકડ, પૉકેટ અને કીમતી વસ્તુઓની ચોરી થઈ રહી છે, જેને લઈને પેસેન્જરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે વિરોધ નોંધાવ્યો છે.
એરપોર્ટ જેવા બસ સ્ટેન્ડના દાવા પોકળ
એક તરફ તંત્ર શહેરની તમામ હોટલો, રેસ્ટોરન્ટો અને ખાનગી જગ્યાઓ ઉપર CCTV કેમેરા લગાવવા માટે આદેશો આપી રહ્યું છે, ત્યારે કરોડોના ખર્ચે બનેલા અને હજારો મુસાફરોની અવરજવરવાળા બસ સ્ટેન્ડમાં જ સુરક્ષા માટેના મુખ્ય સાધન એવા CCTV કેમેરાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને કારણે તંત્રના 'આધુનિક' બસ સ્ટેન્ડના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.
ચોરીના બનાવોમાં વધારો
CCTV કેમેરાના અભાવને કારણે તસ્કરોને છૂટો દોર મળી ગયો છે. રોજેરોજ મોટી સંખ્યામાં પેસેન્જરોના સામાન, રોકડ અને કીમતી વસ્તુઓની ચોરી થઈ રહી છે, જેના કારણે મુસાફરો ભયનો અનુભવ કરી રહ્યા છે. પેસેન્જર અને જન સ્વરાજ ગ્રુપના સભ્ય કૃણાલ શાહએ જણાવ્યું કે, "બસ સ્ટેન્ડમાં CCTV કેમેરા ન હોવાને કારણે મુસાફરોનો કિંમતી સામાન અને રોકડ ચોરાઈ રહ્યા છે. એસટી વિભાગે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ."
મુસાફરોની સત્વરે CCTV લગાવવાની માંગ
બસ સ્ટેન્ડમાં મુસાફરી કરતા હજારો લોકોએ એસટી વિભાગ સમક્ષ સત્વરે આ મુદ્દે નિર્ણય લઈને સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં CCTV કેમેરા લગાવવાની માંગ કરી છે, જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે અને ચોરીના બનાવો અટકાવી શકાય.

