Video/ ખાણ ખનીજ વિભાગમાં અધિકારીઓની અછત, Surendranagarમાં ખનીજ માફિયાઓ ગેલમાં
સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાત રાજ્યમાં ખનીજ ચોરીનું મુખ્ય કેન્દ્ર (HUB ) ગણાય છે, ત્યારે આશ્ચર્યની વાત એ છે કે ખનીજ ચોરીને રોકવા માટેના મુખ્ય વિભાગ, એટલે કે ખાણ ખનીજ વિભાગમાં જ અધિકારીઓની ગંભીર અછત છે. અધિકારીઓની આ ઘટને કારણે ખનીજ માફિયાઓ ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે.
ભૂસ્તરશાસ્ત્રીની જગ્યા 1 વર્ષથી ખાલી
ખનીજ ચોરીને રોકવા અને ખનીજની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા માટેના સૌથી મહત્ત્વના અધિકારી, ભૂસ્તરશાસ્ત્રીની જગ્યા છેલ્લા એક વર્ષથી ખાલી છે. હાલમાં આ જગ્યાનો વહીવટી ચાર્જ આપીને કામગીરી ચલાવવામાં આવી રહી છે, જેના કારણે વિભાગનું કાર્ય અસરકારક રીતે થઈ શકતું નથી.
મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની બંને જગ્યાઓ ખાલી
વધુ ગંભીર બાબત એ છે કે, સુરેન્દ્રનગરમાં મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની બંને જગ્યાઓ છેલ્લા ત્રણ વર્ષથી ભરવામાં આવી નથી. મુખ્ય અને મદદનીશ એમ ત્રણેય મહત્ત્વપૂર્ણ પદો ખાલી હોવાને કારણે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીનો વ્યાપ વધી ગયો છે.
અન્ય વિભાગોને લેવા પડે છે પગલાં
ખાણ ખનીજ વિભાગમાં અધિકારીઓની ઘટને કારણે, ખનીજ ચોરીને ડામવા માટે ઘણીવાર પ્રાંત અધિકારી અને પોલીસ વિભાગને દરોડા પાડવા પડે છે. જે કામગીરી ખનીજ વિભાગે નિયમિતપણે કરવાની હોય છે, તે કામગીરીમાં અન્ય વિભાગોને મદદ કરવી પડે છે. સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે ખનીજ વિભાગમાં ખાલી પડેલી આ મહત્ત્વપૂર્ણ જગ્યાઓ ભરવામાં આવે તેવી સખત માંગ કરવામાં આવી છે, જેથી જિલ્લામાં થતી ખનીજ ચોરી અટકાવી શકાય.

