Video/ Surendranagar ના કચોલીયામાં મહિલાના મોત પર રાજકીય ગરમાવો; ચૂંટણી ટાણે નેતાઓ મેદાને, પણ ન્યાય ક્યારે?
સુરેન્દ્રનગર જિલ્લાના કચોલીયા ગામમાં પાણીના હોજની દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં એક મહિલાના કરુણ મોત બાદ હવે રાજકારણ તેજ બન્યું છે. એક તરફ ભ્રષ્ટાચાર અને બેદરકારીના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, તો બીજી તરફ આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને વિવિધ પક્ષના નેતાઓ પીડિત પરિવારની મુલાકાતે દોડી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે નેતાઓની આ દોડધામ માત્ર સહાનુભૂતિનો દેખાવ છે કે ખરેખર પીડિત પરિવારને ન્યાય અપાવવાની તૈયારી?
શું હતી સમગ્ર ઘટના?
કચોલીયા ગામમાં પીવાના પાણી માટે તાજેતરમાં જ એક નવો હોજ બનાવવામાં આવ્યો હતો. જોકે, કામગીરીમાં ગંભીર ગેરરીતિ હોવાનું ત્યારે સાબિત થયું જ્યારે આ હોજની ચારેય દીવાલો એકસાથે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના સમયે ત્યાં હાજર વર્ષાબેન નામની મહિલા દીવાલ નીચે દબાતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને કારણે વર્ષાબેનની બે માસૂમ દીકરીઓએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે, જેનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મોત પર રાજકારણ
ઘટનાની ગંભીરતા અને આગામી ચૂંટણીના માહોલને જોતા રાજકીય પક્ષો સક્રિય થયા છે.
ભાજપના સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમાર, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌસાદ સોલંકી, અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ પણ ઘટનાસ્થળે અને પીડિત પરિવારના ઘરે દોડી ગયા હતા.
નેતાઓની આ મુલાકાતને લઈને ગ્રામજનોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે દુર્ઘટના બાદ તરત જ નેતાઓ ઉભરાયા છે, પરંતુ મૂળ પ્રશ્ન કોન્ટ્રાક્ટર સામેની કાર્યવાહીનો છે.
તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી
સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે નવનિર્મિત હોજની ચાર-ચાર દીવાલો એકસાથે કેવી રીતે તૂટી પડી? આ સીધી રીતે બાંધકામમાં વપરાયેલા હલકી ગુણવત્તાના મટીરિયલ અને ભ્રષ્ટાચાર તરફ આંગળી ચિંધે છે. નવાઈની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટના અને એક માનવ જિંદગી હોમાઈ ગઈ હોવા છતાં, હજુ સુધી જવાબદાર કોન્ટ્રાક્ટ એજન્સી સામે કોઈ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા નથી.
ન્યાયની જોખે રાહ જોતો પરિવાર
ધારાસભ્ય પી.કે. પરમાર સહિતના નેતાઓએ ન્યાયની ખાતરી તો આપી છે, પણ જમીની સ્તરે હજુ સુધી કોઈ નક્કર કામગીરી દેખાતી નથી.
શું આ નેતાઓ માત્ર વોટ બેંક માટે સહાનુભૂતિ બતાવી રહ્યા છે? કે પછી ખરેખર ભ્રષ્ટ સિસ્ટમ સામે લાલ આંખ કરીને પરિવારને ન્યાય અપાવશે? તે તો આવનારો સમય જ બતાવશે.

