VIDEO: સાયલાના ગોસળ ગામમાં પોલીસે પાડ્યા દરોડા, ગાંજાના વાવેતરનો પર્દાફાશ
VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં માદક પદાર્થોના વેચાણ અને વાવેતર સામે પોલીસ એક્શન મોડમાં છે. સાયલા પોલીસની ટીમે બાતમીના આધારે ગોસળ ગામની સીમમાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. ખેડૂતે કપાસ અને એરંડાના પાકની આડમાં નશીલા પદાર્થનું વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું છે.
ચીલાચાલુ ખેતીની આડમાં આતંક
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સાયલાના ગોસળ ગામમાં રહેતા દેવાભાઈ કરસનભાઈ પરમાર નામના ખેડૂતે પોતાની વાડીમાં પ્રતિબંધિત લીલા ગાંજાનું વાવેતર કર્યું હતું. અન્ય ખેતીના પાકોની વચ્ચે ગાંજાના છોડ ઉગાડીને પોલીસની નજરથી બચવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે આરોપી દેવાભાઈ આ ગાંજાના છોડ ઉખેડીને ટ્રેક્ટરમાં ભરીને લઈ જવાની પેરવીમાં હતો, ત્યારે જ પોલીસે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
32.57 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસની કાર્યવાહી દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના 26 મોટા છોડ મળી આવ્યા હતા, જેનું વજન આશરે 53 કિલો જેટલું થતું હતું. પોલીસે ગાંજાનો જથ્થો, ટ્રેક્ટર અને અન્ય સાધનો મળી કુલ રૂપિયા 32,57,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વધુ તપાસ ઘજાળા પોલીસને સોંપાઈ
સાયલા પોલીસે આરોપી દેવાભાઈ પરમાર સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં અગાઉ પણ ગાંજાના વાવેતરના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ કેસની ગંભીરતાને જોતા વધુ તપાસ ઘજાળા પોલીસને સોંપવામાં આવી છે જેથી આ નેટવર્ક પાછળ અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની વિગતો જાણી શકાય.

