Video/ Surendranagar ના ખોડુમાં ગૌચર જમીન મુદ્દે માલધારીઓનો ઉગ્ર વિરોધ, માલઢોર સાથે ગ્રામ પંચાયતમાં નાંખ્યા ધામા
સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામમાં ગૌચર જમીન પર ખનિજ માફિયાઓના કબ્જા અને ખોદકામને લઈને માલધારી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. માલધારીઓએ તંત્રની ઉદાસીનતા સામે વિરોધ નોંધાવતા પોતાના માલઢોર સાથે ગામની ગ્રામ પંચાયતમાં ધામા નાખ્યા છે.
ખનિજ માફિયાઓ દ્વારા ગૌચર જમીનનું ખોદકામ
ખોડુ ગામની ગૌચર જમીન માલધારીઓના પશુઓ માટે ચારાનો મુખ્ય સ્ત્રોત છે. જોકે, સ્થાનિક માલધારીઓના જણાવ્યા અનુસાર, ખનિજ માફિયાઓએ ગામમાં આવેલી ગૌચર જમીનોમાં ગેરકાયદેસર રીતે ખાણો ખોદી નાખી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે પશુપાલકો સામે એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે: "માલધારીઓ પોતાના માલઢોરને લઈને ક્યાં જાય?"
વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં રોષ
માલધારીઓ દ્વારા આ મુદ્દે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં, ખનિજ માફિયાઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતાં પશુપાલકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે વિરોધના ભાગરૂપે, માલધારીઓ પોતાના માલઢોર સાથે સીધા ગ્રામ પંચાયતમાં પહોંચી ગયા હતા.
જ્યાં સુધી ગૌચર ખાલી ન થાય ત્યાં સુધી માલઢોર ત્યાં જ રખાશે
માલધારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી ગૌચર જમીન પરનો ખનિજ માફિયાઓનો કબ્જો ખાલી કરાવવામાં નહીં આવે અને ગૌચર પશુઓ માટે ખુલ્લું નહીં મુકાય, ત્યાં સુધી તેઓ પોતાના માલઢોરને ગ્રામ પંચાયતની જગ્યામાં જ રાખશે.

